Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

માળિયામિયાણા તાલુકામાં આફતનો વરસાદઃ ખેડૂતોએ મહામહેનતે વાવેલા પાક પર પાણી ફરી વળ્યું :ખેડૂતો બે હાલ

માળિયા મિંયાણા,તા.૨: મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકા પંથકમા છેલ્લા ત્રણેક દિવસથી સતત વરસતા વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે જેના કારણે લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિનુ નિર્માણ થયુ છે ત્યારે એક તરફ નવરાત્રીના નવલા નોરતાનો પ્રથમ દિવસ પાણીમાં ધોવાઈ ગયો છે જેથી ખેલૈયાઓ રાસ-ગરબા ખેલવા માટે તલપાપડ છે ત્યારે બીજી તરફ જગતાતનો તૈયાર થઈ ગયેલ મગફળી તલી બાજરી તેમજ કઠોળ જેવા પાક પર ખેડુતોની મહેનત પર મેદ્યરાજાએ પાણી ફેરવી નાખતા પાક પાણી માંજ ગરકાવ થઈ જતા ખેડુતો ચિંતાતુર બની ગયા છે.

જિલ્લાના માળીયા પંથકના અનેક ગામડાઓ પાણી પાણી થઈ જતા જનજીવન થંભી ગયુ હતુ તેમજ વેણાસર વવાણીયા વેજલપર વિરવિદરકા વિશાલનગર સહીતના ગામડાઓમાં ખેડુતોના ઉભાપાકમાં વ્યાપક પ્રમાણમાં નુકશાન થવા પામ્યુ છે જેમા મગફળી ઉભી હોય કે ઉપાડેલી મેદ્યરાજાના કહેરથી મરણ પથારીએ પહોંચી ગઈ છે આમ જોવા જઈએ તો જિલ્લામાં મોરબી ટંકારા માળીયા વિસ્તારમાં ચોમાસાની શરૂઆતમાં જ એવી વાતો થતી હતી કે હવે આ વર્ષ તો ગયુ! ઠેરઠેર મેદ્યરાજાને મનાવવા માટે પ્રાર્થનાઓ દુઆ થવા લાગી હતી આખરે એક મહિનો મોડા મેદ્યરાજા રિઝયા તે એવા રિઝયા છે કે હવે લોકો બાપલીયા હવે ખમૈયા કરો કહેતા થઈ ગયા છે

મોરબી જિલ્લામાં દ્યણા બધા ખેડૂતોએ મગફળી તલી કઠોળની કાપણી કરીને રાખી દીધા છે તો જુવાર તો પહેલેથી જ લગભગ ખતમ થઈ આડી પડી ગઈ છે જયારે આગોતરા કપાસમાં આવેલ ફાલ ખરીને ઢગલા થઈ ગયા છે ત્યારે આ વર્ષે પૂરતા પ્રમાણમાં જીંડવા પણ નથી દેખાતા અને દેખાતા જિંડવામાં ઈયળોનો ઉપદ્રવ હોવાથી આમ લગભગ તમામ પાકો નિષ્ફળ જવાના આરે છે પરિણામે ખેડૂતોને ભારે વરસાદવાળા વર્ષમાં ભારે નુકસાની સહન કરવાની પરિસ્થિતિ ઊભી થઇ છે

અત્રે ઉલ્લેખનીય છેકે ટંકારા તાલુકાના સજ્જનપર હડમતીયા તેમજ આજુબાજુના ગામડાઓમાં દ્યણી જગ્યાએ મગફળી તલી કઠોળ જેવા પાકોની કાપણી ખેડૂતોએ કરી નાખી છે અને પાક ખેતરમાં હજુ પડ્યો હતો ત્યારે જ આ ભાદરવાનો ભારે વરસાદ ખાબકતા ઉપાડેલો પાક પાણીમાં ડૂબીને ગરકાવ થઈ ગયો છે જેના કારણે ખેડુતોને માથે ઓઢી રોવાનો વારો આવ્યો છે આને હાલ જગતાતની હાલત નહી દ્યરના કે નહી દ્યાટના જેવી થઈ છે આવી હાલત સમગ્ર મોરબી જિલ્લાના ખેડુતોની થઇ ગઈ છે ત્યારે ખેડૂતોની આ કપરી પરિસ્થિતિમાં સરકારે વહારે આવી ઉગારી લેવા જોઈએ એવી માંગ ઉઠવા પામી છે

(12:08 pm IST)