Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ગાંધીજીની એક સમાધી કચ્છના આદિપુર ખાતે પણ છે

અમદાવાદ,તા.૨: મહાત્મા ગાંધીની સમાધીનું સ્થળ માત્ર 'રાજઘાટ', નવી દિલ્હીમાં જ નથી, આદિપુર (કચ્છ), ગુજરાતમાં પણ છે. એ અલગ વાત છે કે,  ફેબ્રુઆરી, ૧૯૪૮ એટલે કે આજથી ૭૦ વર્ષ પહેલા મહાત્મા ગાંધીજીના અસ્થિનું વિસર્જન અલ્હાબાદના ત્રિવેણી સંગમમાં કરવામાં આવ્યું હતું. આ સિવાય તેમની કેટલીક અસ્થિઓ ગાંધીજીના પરિવારે દેશના વિવિધ સ્થળ પર આપી હતી.

ગુજરાતના કચ્છ જીલ્લાના આદીપુર નગરની સ્થાપના કરનાર ભાઈ પ્રતાપ દયાલદાસ અને અન્ય કેટલાક વરિષ્ઠ લોકો ગાંધીજીની અસ્થિઓને આદીપુર લઈ આવ્યા હતા, ત્યારબાદ ભૂમી વિસર્જન કરી અહીં *ગાંધીજી સમાધી મંદિર*ની સ્થાપના કરવામાં આવી હતી. નવી દિલ્હીના રાજઘાટ બાદ પૂરા ભારતમાં આ એક જ એવી જગ્યા છે, જ્યાં ગાંધીજીનું બીજુ સમાધી સ્થળ છે. આ દિવસથી એટલે કે ૧૨ ફેબ્રુઆરી ૧૯૪૮થી આદિપુર, નજીક ગાંધીધામનો પાયો રાખવામાં આવ્યો હતો.

 ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીને પુછ્યું તો, તેમણે પણ આ વાતની પુષ્ટી કરી હતી. તુષાર ગાંધીએ કહ્યું કે, *ગાંધીજીના અસ્થિઓને દેશના કેટલાક વિસ્તારમાં વિસર્જન માટે આપવામાં આવી હતી. જેમાં એક આદિપુર પણ છે. આ સમાધી સ્થળ વિશે મને જાણકારી જરૂર છે, પરંતુ મે હજુ સુધી આ જગ્યાની મુલાકાત લીધી નથી.

(3:28 pm IST)