Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ પૂ. ગોપાલાનંદબાપુ બ્રહ્મલીન

૧૧પ વર્ષના સંતની ગુરૂવારે જુનાગઢમાં અંતિમવિધી : બિલનાથ મહાદેવ મંદિરે અંતિમ દર્શન માટે પાર્થિવદેહ મુકાશે

જુનાગઢ : પૂ. ગોપાલાનંદજી બાપુના ફાઇલ ફોટા નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા- જુનાગઢ)

જુનાગઢ, તા. ર :  વરિષ્ઠ સંતશ્રી ગોપાલનંદબાપુ દેવલોક પામ્યા છે. પુ. બાપુના દેહાવસાનથી સંતો અને સેવકો શોકમગ્ન થઇ ગયા છે.

બિલખામાં રાવતેશ્વર ધર્માલય ખાતેે બિરાજતા સાધુ સમાજના પ્રદેશ ઉપાધ્યાય અને વરિષ્ઠ સંતશ્રી ગોપાલનંદબાપુ આજે સવારે દેવલોક પામ્યા હતા. ૧૧પ વર્ષની વયના શ્રી ગોપાલાનંદબાપુની તબીયત છેલ્લા કેટલાક દિવસોથી નાદુરસ્ત હતી અને આજે સવારે રાવતેશ્વર આશ્રમ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા.

આ અંગેની જાણ થતા સુરેવધામ આશ્રમ ચાપરડાના મહંત શ્રી મુકતાનંદબાપુ ગીરનાર અંબાજી મંદિરના મહંતશ્રી તનસુખગીરીબાપુ, શ્રી મેઘાનંદબાપુ સહિતના સંતો ઉપરાંત વિવિધ અખાડાના સાધુ સંતો દોડી ગયા હતા અને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.

જીવન પર્યત વિવિધ સેવા અને પ્રભુ ભકિતમાં કાર્યરત રહેલા શ્રી ગોપાલનંદબાપુના પાર્થિદેહને સવારથી રાવતેશ્વર આશ્રમ ખાતે દર્શનાર્થે રાખવામાં આવેલ છે. જેના પગલે મોટી સંખ્યામાં સાધુ સંતો સેવકો વગેરેને પૂ.બાપુના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા છે.

તાજેતરમાં મહામંડલેશ્વર શ્રી ભારતીબાપુ, તનસુખગીરીબાપુ, મુકતાનંદબાપુ શ્રી હરીગીરીબાપુ, શ્રી હરીહશનંદબાપુ વગેરેએ શ્રી ગોપાલનંદબાપુના ખબર ખંબર જાણ્યા હતા અને તેઓના દિર્ધાયુષ માટે પ્રાર્થના કરી હતી.

દરમિયાન શ્રી મુકતાનંદજીના જણાવ્યા મુજબ શ્રી ગોપાલાનંદબાપુની પાલખી યાત્રા આવતીકાલ તા. ૩ ઓકટોબરને બુધવારના રોજ સવારે ૬ કલાકે રાવતેશ્વર ધર્માલય બીલખા ખાતેથી નિકળશે અને સાઇડ ચોક રાવતપરા થઇ પરત ફરી સોની બજાર, સ્ટેશન રોડ થઇને જુનાગઢમાં વંથલી રોડ પર આવેલી બીલનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચશે અને અહીંથી ગોપાલનંદબાપુના પાર્થિવદેહને લોકોના દર્શન માટે રાખવામાં આવશે. તા. ૪ ઓકટોબર ગુરૂવારના રોજ સવારે ૬ વાગ્યા સુધી લોકો દર્શનનો લાભ લઇ શકશે.

બાદમાં તા. ૪ના રોજ બીલખાના મંદિર ખાતેથી પૂ.બાપુની પાલખી યાત્રા નિકળશે અને જુનાગઢના કાળવા ચોક સ્થિત ગોદ ળ અખાડા, જવાહરરોડ પરના સ્વામીનારાયણ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર અને ગીરનાર પગથીયા સુધી જઇ પરત ફરશે અને ગુરૂવારના રોજ સવારે ૧૧.૩૦ કલાક બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર ખાતે અંતિમ સંસ્કાર વિધી સંપન્ન થશે.

પૂજય ગોપાલાનંદજીબાપુંની પાલખી યાત્રા (અંતિમ યાત્રા) સવારે ૬ કલાકે બિલખા રાવતેશ્વર ધર્માલયથી નિકળી સાઇડ ચોક રાવતપરા થઇ પરત ફરી સોની બજાર મેઇન બજાર થઇ સ્ટેશન રોડ પર ફરી ત્યાંથી જુનાગઢ બિલનાથ મહાદેવ મંદીર વંથલી રોડ મુકામે જશે અને ત્યાં બિલનાથ સ્થાયી જાહેર દર્શન માટે બીજા દિવસે તા. ૪-૧૦-ર૦૧૮ સવારે ૬ વાગ્યા સુધી રહેશે અને ત્યાંથી પાલખી યાત્રા ૪-૧૦-ર૦૧૮નાં રોજથી કાળવા ચોક, ગોદડ અખાડા, જુના સ્વામી નારાયણ મંદિર, ભીડ ભંજન મહાદેવ મંદિર થઇ ગીરનાર દરવાજાથી દામોદર કુંડ થઇ ભવનાથ મહાદેવ તથા અગ્નિ અખાડા થઇ ગીરનાર પગથીયા સુધી જઇ પરત ફરી. ગુરૂવારે ૧૧-૩૦ કલાકે બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર મુકામે અગ્નિ સંસ્કાર વિધી સંપન્ન થશે અને પંચમહાભુતમાં વિલીન થશે.

(3:15 pm IST)