Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

લોધીકામાં અપૂરતા વરસાદ તથા પાક વિમાથી વંચિત કિશાનો પરેશાન

લોધીકા તા.ર : સતત ત્રણ ત્રણ વર્ષથી અપુરતા વરસાદને પરિણામે ખેતીના પાકો નિષ્ફળ જવાના પગલે પરેશાની ભોગવી રહેલ તાલુકાના કિશાનોને આ વખતે પણ અપુરતા વરસાદને લઇ પાક નિષ્ફળ જવાની ભીતી સેવાય રહેલ છે.

અધુરામાં પુરૂ તાલુકાનાં કિશાનોને સમયસર પાક વિમાની રકમ મળેલ નથી. તાલુકાના કિશાન દિલીપસિંહ જાડેજા, મહેશભાઇ સોરઠીયા, લોધીકાના વિનુભાઇ ઘેટીયા, કાનજીભાઇ ખીમસુરીયા, કોઠા પીપળીયાના દિલીપભાઇ ધીપાળ, જેતાકુબાના રતિલાલ ખુંટ વગેરેએ રજૂઆતમાં જણાવ્યા મુજબ લોધીકા તાલુકા ઉપર કુદરત રૂઠી હોય તેમ સતત ૩ - ૩ વર્ષ તાલુકામાં અપુરતો વરસાદ થયેલ છે.

આવા સંજોગોમાં ખેડુતો ઉછી ઉધારા કરી ખાતર, બિયારણ, દવાનો ખર્ચ કરી વાવેતર કરેલ પરંતુ વરસાદ આધારિત ખેતી ઉપરાંત તાલુકામાં કયાય મોટા ડેમ તળાવો ન હોય સિંચાઇ માટે પાણીની સમસ્યા હોય તથા બોર કુવાના તળ પણ ઉંડા ઉતરી ગયેલ હોય પુરતુ પાણી ન હોય ખેડુતોનો ઉભો મોલ સુકાય જાય છે. ખાતર, બિયારણ નિષ્ફળ જાય છે.

આ વર્ષે પણ અપુરતો વરસાદ થતા કિશાનો ખોટના ખાડામાં ઉતરી ગયેલ છે. લાખો રૂપિયાની નુકશાની વેઠવાની નોબત આવેલ છે. વધુમાં તાલુકાને પાક વિમો પણ મળેલ ન હોય ખેડુતો દયનિય સ્થિતિમાં મુકાયેલ છે. તેવી જ રીતે અપુરતા વરસાદને પરિણામે આગામી સમયમાં માલધારી વર્ગને પોતાના મહામૂલા પશુધન માટે ઘાસચારાની સમસ્યા ઉભી થવાની નોબત આવેલ છે.(૪૫.૬)

 

(12:41 pm IST)