Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

માળીયામિંયાણાના ખાખરેચી ગામેથી હજારો ખેડૂતોની રેલી નિકળી : કેનાલમાં પાણીનું લેવલ જાળવી રાખવાની માંગ : મહિલાઓએ છાજીયા લીધા

માળીયામિંયાણા, તા. ર : મોરબી-માળીયામિયાણા, તા. ર : માળીયામિંયાણાના ખાખરેચી ગામે આજે સવારે ખાખરેચી સહિતના ૧૨ ગામના હજારો ખેડુતો દ્વારા માળીયા નર્મદા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે માળીયા તાલુકાના હજારો ખેડૂતો ભાઈઓ અને બહેનો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને કેનાલ સુધી કુચ કરી હતી જો કે ખેડૂતોની રેલીને પગલે સરકારને રાતોરાત કેનાલમાં પાણી છોડવામાં આવતા પાણી બે કલાકમાં જ ખાખરેચી સુધી પહોંચશે તેવી અધિકારીઓએ જાહેરાત કરી હતી છતાં ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન ચાલુ રાખવામાં આવતા સરકાર ભીંસમાં આવી છે માળીયા તાલુકાના ૧૨ થી ૧૩ ગામના ખેડૂતોને ૩૦ કિલોમીટરના વિસ્તારમાં સિંચાઈ માટે નર્મદા બ્રાન્ચ કેનાલ મારફતે પાણી આપવા સરકારે યોજના તો બનાવી છે પરંતુ ધ્રાંગધ્રા અને હળવદ તાલુકાના ખેડતો આ પાણીનો વધુ ઉપાડ કરતા હોવાથી બ્રાન્ચ કેનાલમાં માળીયા પંથકના ખાખરેચી માણાબા કુંભારીયા દ્યાટીલા સહિતના ગામના ખેડૂતોને પાણી મળતું નથી જેને પગલે આકરે પાણીએ થયેલા ખેડૂતો દ્વારા મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આજથી ત્રણ દિવસ જલદ ઉપવાસ આંદોલન શરૂ કરવા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી બીજી તરફ ખેડૂતોએ આપેલી ચીમકી મુજબ જ આજે સવારે ખાખરેચી ગામે હજારોની સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ ઉમટી પડયા હતા અને કેનાલ તરફ રેલી સ્વરૂપે કૂચ કરી હતી, ખેડૂતોનો મિજાજ જોતા ખુદ જિલ્લા કલેકટર માકડીયા પણ ખાખરેચી દોડી ગયા હોવાનું જાણવા મળ્યું હતુ દરમિયાન ખેડૂતો દ્વારા શનિવારે વિશાળ સંખ્યામાં હાજર રહી મુખ્યમંત્રી સિંચાઈ મંત્રી નર્મદા ઓથોરિટી સહિતના વિભાગોને સંબોધી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ઉપવાસ આંદોલનની રૂપરેખા જાહેર કરતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને ખેડૂતોની માંગ મુજબ પાણી પહોંચાડવા નર્મદા વિભાગ પણ બે દિવસથી કામે વળગ્યો હતો આ મામલે મોરબી પ્રાંત અધિકારી શિવરાજભાઈ ખાચરે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે પાણી માળીયાના દ્યાટીલા ગામ સુધી પહોંચી ગયું હતું અને વહેલામાં વહેલી તકે માળીયા પંથકના ખેડૂતોને પાણી મળી જાય તેવા પ્રયાસો ચાલુ હોવાનું જણાવ્યું હતુ.

ઉલ્લેખનીય છે કે ખેડૂતોની રેલીને પગલે સરકારને રીતસર રેલો આવ્યો છે અને રાતો રાત નર્મદા બ્રાન્ચ કેનાલમાં પાણી પહોંચાડવા તંત્ર ઊંધે માથે થયું છે અને બે કલાકમાં પાણીનો પ્રવાહ ખાખરેચી પહોંચે તેમ છે જો કે આંદોલન ચલાવતા રાજેશભાઇ પ્રજાપતિ નામના ખેડૂતે જણાવ્યું હતું કે જયાં સુધી કેનાલમાં લેવલ નહિ જળવાઈ અને સતત પાણી નહિ પહોંચે ત્યાં સુધી લડત ચાલુ જ રાખવામાં આવશે અંતમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે હળવદ ધ્રાંગધ્રા પંથકમાં આઠ કલાક લાઈટ જાય ત્યારે જ માળિયાની બ્રાન્ચ કેનાલમાં માત્ર નામ પૂરતું જ પાણી આવે છે આથી સરકાર પૂરતા પ્રમાણમાં પાણી આવે તેવી વ્યવસ્થા ગોઠવે ત્યાર બાદ જ અમારું આ આંદોલન સમાપ્ત થશે જેથી આજે માળીયા બ્રાંચની ખાલીખમ કેનાલમાં મહીલાઓએ છાજીયા લઈને વિરોધ કર્યો હતો તેમજ ખેડુતોએ રામધુન બોલાવી બદ્યટાડી બોલાવી વિરોધ દર્શાવ્યો હતો.

(12:32 pm IST)