Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

નિત્ય પુજા એ ભગવાન સાથેની અંગત મુલાકાત છે : સ્વામી મહારાજ

ભાવનગરનાં ૧ર દિવસીય મહોત્સવનો દ્વિતીય દિવસ નિત્યપૂજા દિન તરીકે ઉજવાયો

ભાવનગર, તા. ર :  ભાવનગર શહેરની શોભા વધારનું અને સંસ્કાર પ્રવર્તાવતુ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર હાલ પ.પૂ. મહંતસ્વામી મહારાજનું યજમાન સ્થળ બન્યું છે. આ વર્ષે તેઓશ્રીનો ૮પમો જન્મજયંતિ મહોત્સવ ભાવનગર ખાતે ઉજવવામાં આવનાર છે. તે નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક અને પ્રેરણાદાયક કાર્યક્રમોની નિત્ય પ્રસ્તુતિ મંદિર ખાતે થઇ રહી છે.

 

આજે મહોત્સવના દ્વિતીય દિવસે સર્વ સત્સંગી હરિભકતોને નિત્યપુજાની પ્રેણા પ્રાપ્ત થાય તે માટે નિત્યપુજા દિન ઉજવવામાં આવ્યો હતો. વહેલી સવારે ખુબ જ મોટી સંખ્યામાં હરિભકતો પ.પૂ. મહંતસ્વામી મહારાજના પ્રાતઃ પૂજા દર્શનનો લાભ લેવા પધાર્યા હતા. પુજાદર્શન બાદ પ.પૂ. સ્વામીશ્રીએ આશીર્વચનમાં નિત્યપુજાની મહત્તા વર્ણવી હતી.

સાંજની સભામાં પણ વિડીયો, વર્કશોપ પ્રવચન વગેરે માધ્યમો દ્વારા નિત્યપુજાની પ્રેરણા સૌ હરિભકતોને આપવામાં આવી હતી. પ.પૂ. મહંતસ્વામી મહારાજે વિવિધ પ્રશ્નોના ઉત્તરરૂપે નિત્યપુજાની અગત્યતા અને મહિમાને દૃઢાવી હતી અને પ્રતિજ્ઞાપત્ર વાંચીને ઉપસ્થિત સૌ ભકતોને નિત્યપુજા કરવા પ્રતિજ્ઞા લેવડાવી હતી. આજના પ્રસંગે પ.પૂ. મહંતસ્વામી મહારાજના દર્શન-આશીર્વાદનો લાભ લસવા શહેરના મેયરશ્રી મનભા મોરી, ડેપ્યુટી મેયરશ્રી રાજુભાઇ બારૈયા સહિત શહેર ભાજપ સંગઠનના સમસ્ત ઉચ્ચ હોદ્દેદારો પધાર્યા હતા. પ.પૂ. સ્વામીશ્રીએ તેનો સર્વેને હાર અને સ્મૃતિ ભેટ આપી સત્કાર્યો હતા. સાંસદ સભ્ય ભારતીબેન શિયાળ પણ પ.પૂ. સ્વામીશ્રીનાં દર્શન કરી કૃતાર્થ થયા હતા. (૯.૩)

(12:30 pm IST)