Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

જામનગરના એડવોકેટ કિરીટ જોષીની હત્યા પ્રકરણમાં ૪ આરોપીઓ દ્વારા કરાયેલી જામીન અરજીનો ચુકાદો ૪થીએ મુકરર રાખ્યો

રાજકોટ, તા. ૨ : જામનગરના એડવોકેટ કિરીટ જોષીની હત્યા પ્રકરણમાં સંડોવાયેલા અને જેલ વાસ ભોગવી રહેલા ચાર આરોપીઓ દ્વારા કરાયેલી જામીન અરજીના પ્રકરણમાં આજે સરકાર પક્ષ દ્વારા નિમાયેલા રાજકોટના સ્પેશ્યલ પી. પી. દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. ઉપરાંત જીલ્લા પોલીસ વડા દ્વારા ૧૮ પાનાનું સોગંદનામુ પણ કરાયુ હતું. લંબાણપૂર્વકની દલીલોના અંતે જામીન અરજીનો ચુકાદો આગામી ચોથી તારીખે મુકરર રાખ્યો છે.

જામનગરના એડવોકેટ કિરીટ જોષીની હત્યા પ્રકરણમાં સંડોવાયેલા અને જામનગરની જેલમાં રહેલા આરોપીઓ રવિ રાજેશ ગંગવાણી, અજયપાલસિંહ ઉર્ફે બોબી રાજપૂત, મનીષ અમૃતલાલ ચારણ અને નૈમીષ ઉર્ફે ભુરો બીપીનભાઈ ગણાત્રા વગેરેની ધરપકડ કરી લેવામાં આવી હતી અને તમામને જેલહવાલે કરાયા છે. જે તમામ ચારેય આરોપીઓ દ્વારા જામનગરની અદાલતમાં પોતાને જામીન પર મુકત કરવા માટે અરજી કરવામાં આવી હતી. જે અરજીનો વિરોધ કરવા માટે સરકાર તરફથી નિમાયેલા સ્પેશ્યલ પી. પી. શ્રી અનિલભાઈ દેસાઈનું ફરીથી જામનગરમાં આગમન થયુ હતું અને આરોપીઓને જામીન મુકત કરવામાં આવે તો કેસને ખોટુ નુકશાન થાય તેમ છે. તે અંગેની વિસ્તૃત દલીલો કરી કેટલાક આધાર પુરાવાઓ પણ રજૂ કર્યા હતા.

આ ઉપરાંત તાજેતરમાં કિરીટ જોષીની હત્યા કેસમાં સાક્ષી તરીકે રહેલા બે ભાઈઓને મુખ્ય સૂત્રધાર જયેશ પટેલ દ્વારા ટેલીફોનની  ધાકધમકીઓ અપાઈ હતી અને તે અંગેના રેકોર્ડીંગ રજૂ કરીને સીટી ''એ'' ડીવી. પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવાયો હતો. જે એફઆઈઆરની નકલ પણ સ્પેશ્યલ પી.પી. દ્વારા રજૂ કરવામાં આવી હતી અને ફરીયાદ પછી અન્ય સાક્ષીઓને ફોડવા તેમજ ડરાવવા ધમકાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે તેવું જણાવી જમીન અરજીનો વિરોધ કર્યો હતો. સાથો સાથ જામનગર જીલ્લા પોલીસ વડા શરદ સીંગલ પણ જામનગરની અદાલત સમક્ષ હાજર રહ્યા હતા અને તેઓ દ્વારા ૧૭ પાનાનું સોગંદનામુ પણ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યુ હતું. સમગ્ર દલીલો વગેરે સાંભળ્યા પછી અદાલત દ્વારા ઉપરોકત જામીન અરજીનો ચુકાદો આગામી ચોથી તારીખ પર મુકરર રાખ્યો છે.(૩૭.૪)

(12:22 pm IST)