Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

વાંકાનેર શહેર પોલીસના પી.આઇ. વાઢીયાની બદલીની માંગ સાથે શરૃ થયેલ ઉપવાસ આંદોલનનો પાંચમાં દિવસમાં પ્રવેશ

જીતુભાઇ સોમાણીના અન્નસય ઉપવાસમાં જુદા-જુદા સમાજનો ટેકો-આંદોલન ઉગ્ર બને તેવા એંધાણઃ વાંકાનેર-મોરબી-રાજકોટ-કુવાડવાના રઘુવંશી સમાજના અગ્રણીઓ જીતુભાઇની મુલાકાતે દોડી આવ્યા

વાંકાનેર તા.૨: વાંકાનરે શહેર પોલીસના પોલીસ ઇન્સ્પેકટરના સ્વયંસેવકો સાથેના અભદ્ર ભાષા સાથેના વર્તનમાં વાંકાનેર ભાજપના મોભી અને પુર્વનગરપતિ જીતુભાઇ સોમાણીએ તેમના નિવાસ સ્થાને મંડપ છાવણી ઉભી કરી પોલીસ ઇન્સ્પેકટર બી.ટી. વાઢીયાની બદલીની માંગ સાથે અન્નસય ઉપવાસ આંદોલન શરૃ કરેલ છે.

 

જે આજે પાંચમાં દિવસમાં પ્રવેશ્યું ત્યારે જીતુભાઇ સોમાણીએ ગઇકાલથી દૂધ-કોફી લેવાનું પણ બંધ કરી માત્ર પાણી ઉપર ઉપવાસ શરૃ કર્યા છે. બીજી બાજુ આ આંદોલન દિન પ્રતિદિન વેગ પકડતું જાય છે. મુલાકાતીઓનો ઘસારો અને ટેકાની જાહેરાતોથી આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન બને તેવા એંધાણ જોવા મળી રહયા છે. જીતુભાઇ સોમાણી સાથે કોળી સમાજના બે યુવકો (૧) રોહીતભાઇ ઓળકીયા અને (ર) ભરતભાઇ ડાભી પણ ઉપવાસમાં તેમની સાથે જોડાયા છે.

 

ઉપવાસ છાવણીએ જુદી જુદી જ્ઞાતિના અગ્રણીઓ મુલાકાતે આવી રહ્યા છે. અને આંદોલનને સંપૂર્ણ સમાજ વતી ટેકો જાહેર કરતા લેખીત પત્રો જીતુભાઇને અર્પણ કરી રહ્યા છે. જેમાં શ્રીમચ્છો માતાજી સમસ્ત ભરવાડ સમાજ, વાંકાનેર દેવીપુજક સમાજ, વાંકાનેર સિંધી સમાજ વિ.હિ.પ. દ્વારા લેખીતમાં ખાત્રી આપી જીતુભાઇ સોમાણીને ખુલ્લુ સમર્થન આપ્યું છ.ે

આધારભુત વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગત મુજબ જીતુભાઇ સોમાણીએ પી.આઇ.ની બદલીની માંગ સાથે શરૃ કરેલા આંદોલનમાં આગામી દીવસોમાં મહીલા અગ્રણીઓ અને મહીલાઓ બાળાઓ પણ આંદોલનમાં જોડાશે.

સૌરાષ્ટ્ર-ગુજરાતના રઘુવંશી સમાજમાં એક લડાયક નેતા તરીકે જેમનું નામ મોખરેથી લેવાય છે. એવા વાંકાનેરના લોકપ્રિય નેતા જીતુભાઇ સોમાણીએ ઉપવાસ આંદોલન શરૃ કર્યા હોવાના  સમાચાર વાયુવેગે પ્રસરતા સૌરાષ્ટ્ર-ગુજરાતના રઘુવંશી સમાજમાં પણ રોષ સાથે ચર્ચા શરૃ થઇ છે. અને રાજકોટ-મોરબી-કુવાડવા સહિતના રઘુવંશી સમાજના અગ્રણીઓ વાંકાનેર દોડી આવ્યા હતા અને જીતુભાઇ સોમાણીને સંપૂર્ણ ટેકો આપી. જયારે જે પણ કાર્ય સોંપો તે કરવા તૈયારી દર્શાવી હતી.

વાંકાનેર ચેમ્બર્સ ઓફ કોમર્સ, વેપારીઓના જૂદા જૂદા એસો. ના હોદેદારોની દરરોજ ઉપવાસ છાવણીની મુલાકાતો અને ખાત્રીઓને પગલે આગામી દિવસોમાં રેલી- વાંકાનેર બંધ સહિતના કાર્યક્રમોમાં પણ અગ્રણી સંસ્થાઓ તત્પરતા દાખવી રહી છે આજે જીતુભાઇ સોમાણીના ઉપવાસ આંદોલનનો પાંચમો દિવસ છે.

(12:23 pm IST)