Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ગાંધી જયંતીએ સ્વચ્છ ભારતનો સંકલ્પ કરીએ : વિજયભાઇ

પોરબંદર કીર્તિ મંદિરે સર્વધર્મ પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી સહિત મહાનુભાવો ઉપસ્થિત : પૂ. ગાંધીજીને પુષ્પાંજલી અર્પી

પોરબંદરમાં સર્વધર્મ પ્રાર્થના સભા : પોરબંદર કીર્તિમંદિરે ગાંધી જયંતીએ સર્વધર્મ પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, જીલ્લા પ્રભારી ઇશ્વરભાઇ પરમાર, ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં તે તસ્વીર. (તસ્વીર : પરેશ પારેખ-પોરબંદર)

પોરબંદર, તા. ર : કિર્તી મંદિરે આજે સવારે ૧પ૦મી ગાંધી જયંતીએ યોજાયેલ સર્વધર્મ પ્રાર્થનામાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ભાજપના જિલ્લા પ્રભારી મંત્રી ઇશ્વરભાઇ પટેલ, ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

 સર્વધર્મ પ્રાર્થના સભા બાદ મુખ્યમંત્રીએ વિજયભાઇએ આજે ૧પ૦મી ગાંધી જયંતીએ આપણે સૌએ સ્વચ્છ ભારતનો સંકલ્પ કરવા તેમજ ગાંધીજીના વિચારોને મૂર્તિમંત કરવા જણાવ્યું હતું. વિજયભાઇએ જણાવેલ કે, આજે દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા સંમેલન મળી રહ્યું છે.

મુખ્યમંત્રીએ જણાવેલ કે પૂ. ગાંધીજીએ સત્ય અહિંસા અપરીગ્રહીતા સહિત અનેક મુદા આપીને આઝાદી બાદ દેશના ભવિષ્યની ચિંતા કરી હતી. ગાંધીજીના વિચારો આજે પણ ઉપયોગી છે અને ભવિષ્યમાં પણ તેના વિચારો ઉપયોગી થશે. ગાંધીજીના વિચારોથી સમાજમાં પરિવર્તન આવ્યું છે. પૂ. ગાંધીજીએ 'સત્યના પ્રયોગ' આત્મકથાથી પોતાના વિચારો સમજાવ્યા છે.

મુખ્યમંત્રી વિજયભાઇએ જણાવેલ કે પૂ. ગાંધીજીનો સર્વધર્મ સમભાવનો વિચાર આજે પણ પ્રેરણારૂપ છે.

પૂ. ગાંધીજીએ ખાદીને એક વિચાર તરીકે લઇને રોજીરોટી મળે તેવા પ્રયત્નો કરેલ. ગામડે ગામડે ખાદી માટે સ્વદેશી અભિયાન ચલાવેલ હતું.

દેશને આઝાદી મળ્યા બાદ પૂ. ગાંધીએ અંત્યોદય છેવાડા વિસ્તારના લોકોની ચિંતા કરી હતી તેમ મુખ્યમંત્રીએ જણાવેલ હતું.

કીર્તિ મંદિરે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત મહાનુભાવોએ પૂ. ગાંધીજી અને પૂ. કસ્તુરબાને પુષ્પાંજલી અર્પી હતી.

સર્વધર્મ પ્રાર્થના સભામાં પૂ. ગાંધીજીને પ્રિય 'વૈષ્ણવજન તો તેને રે કહીએ' સહિત ભજનો રજૂ થયેલ હતાં.

વિશ્વ વંદનીય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિતે પોરબંદર તેમના જન્મસ્થળ કિર્તીમંદિરમાં યોજાયેલ પ્રાર્થના સભામાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી એ સહભાગી થઇ પૂજય બાપુને શ્રધ્ધાંજલી આપી હતી. 

ગાંધીજીનું જીવન એજ તેમનો સંદેશો હતો તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ કહયું કે, આજે પણ બધીજ સમસ્યાઓનું નિવારણ સમાધાન ગાંધી વિચારોમાં છે. 

ગાંધીજીના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. સત્ય, અહિંસાનો આગ્રહ અને સ્વચ્છતા એજ ગાંધીજીને આજના દિવસે સાચી શ્રધ્ધાંજલી છે, તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું. 

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત હંમેશા ગાંધી ચિંધ્યા રાહે આગળ વધ્યું છે, તેમ જણાવી ઉમેર્યુ કે, ગાંધીજી સ્વરાજથી સુરાજયની વિભાવના પ્રસ્થાપિત કરી  આપણા માટે હંમેશા પ્રેરણારૂપ બન્યા છે. 

ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી નીમિત્તે સ્વચ્છ ભારત મિશનનો પણ પ્રારંભ થઇ રહયો છે, ત્યારે સત્ય, અહિંસા, અસ્પૃશ્યતા,અપરિગૃહના ગાંધીજીના વિચારો મૂલ્યોને સ્વીકારી સ્વચ્છતા અપનાવવી એજ પૂજય બાપુને સાચી શ્ર્ધ્ધાંજલી છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. 

આપણા લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વચ્છતા મિશન શરૂ કરી ગાંધીજીનો જીવન સંદેશ સ્વચ્છતા ત્યાં પ્રભુતાને દેશ આખો  ચરિતાર્થ કરે તે માટે જન આંદોલન ચલાવ્યું છે. સત્યાગ્રહ જેમ સ્વછાગ્રહ માં  આપણે સૌ સહયોગી બનીએ . ગાંધીજીના સ્વદેશીના વિચારોને અપનાવીએ એવું આહ્વાન વિજય ભાઈ રૂપાણી એ કર્યું હતું. 

મુખ્યમંત્રીશ્રીએ દરિદ્રનારાયણની સેવા, છેવાડાના માનવીની ચિંતા અને ગાંધીજીના ટ્રસ્ટીપણાના સિધ્ધાંતો સાથે માનવીય મુલ્યો જીવન મુલ્યોને સાર્વજનીક જીવનમાં અમલ કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. 

કીર્તિમંદિર સંચાલન સમિતીના અધ્યક્ષ અને પોરબંદર જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે સૌનું સ્વાગત કરી જણાવ્યું કે, યુગપુરૂષ પૂજય ગાંધી બાપુના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે.  તેમના વિચારોને સંકલ્પ થી સિધ્ધી સુધી પહોંચાડવા આપણે સાં સહભાગી થઇએ. 

સૌ પ્રથમ મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવોએ જયાં ગાંધીજીનો જન્મ થયો હતો તે કક્ષની મુલાકાત લીધી હતી. બાદમાં મહાત્મા ગાંધી અને કસ્તુરબાના તૈલચિત્રને પુષ્પો અર્પણ કર્યા હતા. 

આ પ્રસંગે ધારાસભ્યશ્રી બાબુભાઇ બોખીરીયા, પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી નિલેષભાઇ મોરી, નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ ભદ્રેશા, જિલ્લા કલેકટરશ્રી મુકેશ પંડયા, નગરપાલિકા પ્રાદેશિક નિયામકશ્રી મકવાણા, જિલ્લા પોલીસ વડા શ્રી પાર્થરાજસિંહ ગોહિલ, અધિક કલેકટરશ્રી મહેશ જોષી,  સહિત નગરજનો સર્વધર્મ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહયા હતા. સરકારી પ્રાથમિકશાળાના શિક્ષકોએ પૂ. બાપુને પ્રિય ભજનોની સુરાવલીઓ રેલાવી હતી.

વિશ્વ માનવ મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં પધારેલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કિર્તીમંદિરમાં સર્વધર્મ પ્રાર્થના બાદ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે યુવા ભાઇ-બહેનોએ માનવ સાંકળ રચી ગાંધીજીના ચહેરાની પ્રતિકૃતિ રચી તે અદભૂત દ્રશ્ય નિહાળ્યું હતું. 

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે ગાંધીજીના વિચારોમાં દરેક સમસ્યાનું નિરાકરણ છે. પોરબંદરની સંસ્થા રોટરેકટ કલબ અને લીઓ કલબએ માનવ સાંકળ થકી ગાંધીજીનો ચહેરો બનાવી રેકોર્ડ કર્યો છે. આ ચહેરો દેશ – દુનિયાને પ્રેરણા આપતો રહેશે. 

મુખ્યમંત્રીશ્રીએ આ તકે વધુમાં કહ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધીજીના વિચારો અને તેમના સપનાને સાકાર કરવા સૌને સાથે રાખીને સૌનો સાથ, સૌનો વિકાસ, મંત્રને ચરિતાર્થ કરીને ભગીરથ પ્રયાસો કર્યા છે તેમાં આપણને સફળતા મળી છે. ગુજરાત સરકારે ગાંધી વિચાર ધારાને સાર્થક કરી છે. પોરબંદરમાં યુવા વિદ્યાર્થી ભાઇ-બહેનોએ ગાંધીજીનો ચહેરો માનવ સાંકળ થકી બનાવ્યોએ એક પ્રેરણાદાયી બાબત છે તેમ કહી આયોજક ટીમના સભ્યોશ્રી હિતેશ કારીયા, શ્રી ચિરાગ કારીયા, દિવ્યેશ મજેઠીયા, ભરત લાખાણી તેમજ સહભાગી સૌ કોઇને અભિનંદન પાઠવ્યા હતા. 

પોરબંદર ચોપાટી ખાતે મુખ્યમંત્રી યુવાઓની વચ્ચે આવીને માનવ સાંકળના સહભાગી બન્યા હતા. ડ્રોન કેમેરાથી લેવાયેલી તસ્વીરોમાં ગાંધીજીનો ચહેરો સ્પષ્ટ રીતે અંકિત થતાં સૌએ ધન્યતા અનુભવી હતી. 

આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ, ધારાસભ્યશ્રી બાબુભાઇ બોખીરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી નિલેષભાઇ મોરી, કલેકટરશ્રી મુકેશ પંડ્યા તેમજ અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

(1:34 pm IST)