Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

સંવેદના દિવસ-સેવાસેતુ કાર્યક્રમ: જરૂરતમંદોને ઘર આંગણે અપાતી સેવા આર્શીવાદ સમાન: જયદ્રથસિંહ પરમાર

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટથી ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનાનો પ્રારંભ કરાવ્યો, કચ્છમાં પંચાયત રાજ્યમંત્રીના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીને કીટ, પ્રમાણપત્ર અને હુકમો વિતરણ કરાયા

ભુજ : રાજય સરકારના સુશાસનના પાંચ વર્ષના કાર્યક્રમ હેઠળ આજરોજ ભુજ ટાઉનહોલ ખાતે જિલ્લાસ્તરનો સંવેદના દિવસ કાર્યક્રમ પંચાયત રાજયમંત્રી જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના જન્મદિનની શુભેચ્છા પાઠવતાં મંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે, આજે સંવેદના દિને યોજાઇ રહેલ કાર્યક્રમ હેઠળ સરકારની ૧૩ વહીવટી વિભાગોની તે જ દિવસે પુરી પાડી શકાય તેવી વિવિધ ૫૭ સેવાઓનો તત્કાળ લાભ જરૂરતમંદને ઘર આંગણે મળી રહેશે. રાજયમાં પાંચ તબક્કામાં ૧૨,૮૦૦ કાર્યક્રમ દ્વારા ૨ કરોડથી વધુ લોકોએ સેવાસેતુ દ્વારા મહત્વના ૫૬ પ્રકારના દસ્તાવેજો ઘર આંગણે મેળવ્યા છે.
દેશમાં ઈ-સેવા સેતુના માધ્યમથી ડિઝિટલાઇઝેશન વિકસાવનાર ગુજરાત પ્રથમ રાજય બન્યું છે. ઈ-સેવાસેતુ દ્વારા ૨ હજાર ગ્રામ પંચાયતોમાં ૨૨ સેવાઓને ઓનલાઇન આવરી લીધી છે અને ૮ હજાર ગ્રામ પંચાયતો ઈ-સેવાસેતુ કાર્યક્રમ હેઠળ આવરી લઇ પૂર્ણતાના આરે છે.
કચ્છ જિલ્લામાં વર્ષ ૧૭-૧૮માં ૬૧ સેવાસેતુ કાર્યક્રમથી ૫૧૫૦૫ લાભાર્થીને વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૧૬ સેવાસેતુ કાર્યક્રમો થકી ૯૭૬૧૬ અને ૨૦૧૯-૨૦માં ૧૨૯ સેવાસેતુ કાર્યક્રમોથી કુલ ૧૮૫૫૭૫ લાભાર્થીને સેવા આપવામાં આવી છે. કોરોના મહામારીથી અનાથ બનેલા બાળકો માટે સમાજ સુરક્ષા વિભાગની મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંગે માહિતી આપતા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં ૫૧ બાળકોના માતાપિતા અને એકવાલી મૃત્ય પામેલા ૧૧૯ બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ બેંક ખાતમાં સીધી સહાય ચૂકવાઇ રહી છે. પાલક માતાપિતા યોજના હેઠળ જિલ્લામાં ૪૨૭ બાળકોને રૂ.૧.૫૪ કરોડની સહાયની ચૂકવણી કરી છે.
મનો દિવ્યાંગ આર્થિક સહાય યોજના હેઠળ એપ્રિલ-મે સુધી ૪૧૫ લાભાર્થીને રૂ.૧૧૪૬૪૦૦ લાખની સહાય ચૂકવાઇ છે.
વિવિધ યોજના અંગે માહિતી આપતા પંચાયત રાજયમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર આપણા આંગણેના અભિગમથી પ્રારંભ સેવાસેતુ કાર્યક્રમ વિસ્તાર અને વિકટ ભૌગોલિક પરિસ્થિતિવાળા વિશાળ કચ્છ જિલ્લા માટે આર્શીવાદ સમાન છે. જયાં એકજ સ્થળે તે જ દિવસે પ્રજા પોતાના પ્રમાણપત્ર લાભો મેળવી શકે છે.
ભુજ નગરપતિ ઘનશ્યામભાઇ ઠકકરે ભુજવાસીઓ દ્વારા મુખ્યમંત્રીને જન્મદિનના અભિનંદન પાઠવતાં સંવેદના દિવસના સેવાસેતુ કાર્યક્રમને બિરદાવ્યો હતો.
ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચપલોતે સ્વાગત પ્રવચનમાં જિલ્લામાં યોજાનાર ૭ નગરપાલિકા અને દસ તાલુકા સ્થળે વિવિધ યોજનાની ૫૭ સેવાના લાભ અંગે સૌને અવગત કર્યા હતા.
આ તકે ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મુખ્યમંત્રી બાળ સેવા યોજના, રેગ પિકર્સ યોજના, અનાથ બાળકો NFSA કાર્ડ વિતરણ, ગંગા સ્વરૂપા વિધવા સહાય, વૃધ્ધ પેન્શન યોજના, દિવ્યાંગતા પ્રમાણપત્ર, કસ્તુરબા પોષણ યોજનાના વિવિધ લાભાર્થીઓને કીટ, પ્રમાણપત્ર અને હુકમપત્રો આપવામાં આવ્યા હતા.
આભારવિધિ નગરપાલિકા ચીફ ઓફિસર મનોજભાઇ સોલંકીએ કરી હતી.
આ કાર્યક્રમમાં કોવીડ-૧૯ની ગાઇડલાઇન સાથે વિવિધ સેવાના લાભાર્થી અને નગર અગ્રણીઓ સાથે અગ્રણી કેશુભાઇ પટેલ, હિતેશભાઇ ચૌધરી, ભુજ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય તેમજ કલેકટર પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા,સમાજ સુરક્ષા અધિકારી એ.પી.રોહડિયા, ડિઝાસ્ટર મામલતદારશ્રી સી.એન.પ્રજાપતિ, નગરપાલિકા ચીફ ઓફિસર મનોજભાઇ સોલંકી, પંકજભાઇ તેમજ શાસકપક્ષના હોદેદારો, કાર્યકરો ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન પંકજભાઇ ઝાલાએ કર્યુ હતું.

(7:31 pm IST)