Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

વિસાવદર : ક્રાંતિકારી સંત પૂ. મુકતાનંદબાપુ પ્રેરીત આનંદધારા પ્રોજેકટ અંતર્ગત અનેકવિધ યશસ્વી પ્રવૃત્તિઓ : શિક્ષકો - બાળકોને આવરી લેતા કાર્યક્રમો

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨ : સુરેવધામ આશ્રમ-ચાંપરડાના ક્રાંતિકારી સંત પૂ મુકતાનંદબાપુ પ્રેરિત આનંદધારા પ્રોજેકટ અંતર્ગત અનેકવિધ યશસ્વી પ્રવૃતિઓ કરાઈ રહી છે. જેમાં શિક્ષકો-બાળકોને આવરી લેતા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

વિસાવદર તાલુકાના ચાંપરડા બ્રહ્માનંદ વિદ્યાલયના પ્રેરણામૂર્તિ-શિલ્પી-ક્રાન્તિકારી સંત એવા પૂ. મુકતાનંદ બાપુના આશીર્વાદ અને રાજયના પૂર્વ પ્રા. શિક્ષણ નિયામક અને આનંદધારા પ્રોજેકટ ના ડાયરેકટરશ્રી ડો. નલિન પંડિતની પ્રેરણાથી પાલીતાણા તાલુકાના માઇધાર લોકભારતી સણોસરા મુકામે વાંચન, લેખન અને ગણન અંતર્ગત દિવસ-૧ની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતુ.

આ શિબિરમાં આનંદધારા પ્રોજેકટ અંતર્ગત આનંદધારા ચાપરડા ,ઉડાન વિદ્યા યોજના લાઠી, જોશીલું બાબરા, ગઢપુર -ગઢડા અને મસ્તરામધારા તળાજા એમ પાંચ વિદ્યાયજ્ઞની શાળાઓના બધા શિક્ષકો મળી કુલ ૩૦ જેટલા શિક્ષકોએ રમતાં- રમતાં ભણીએ, નાચતા- કૂદતા ભણીએ એવા ભાર વિનાના ભણતરની વિવિધ એકિટવિટી દ્વારા શિક્ષકો શાળાના વર્ગખંડોમાં બાળકોની આંતરિક શકિતઓને બહાર લાવવા અને જીવન લક્ષી મૂલ્યોનું સિંચન કરશે.

આમ બાળકના સ્કિલ ડેવલોપ માટે આ પદ્ઘતિના માધ્યમથી બાળક શિક્ષણ મેળવતું થશે ત્યારે બાળકનો સર્વાંગી વિકાસ થશે.નવી શિક્ષણ નીતિમાં પણ સરકારે આ આનંદદાયી શિક્ષણ ઉપર વિશેષ ભાર મુકેલ છે. આનંદધારા પ્રોજેકટ ડાયરેકટર ડો. નલિન પંડિતે સ્વ. મનુભાઈ પંચોળીની લોકભારતી સણોસરા સંચાલિત લોક કલ્યાણ વિદ્યાલય માયધાર સંસ્થાની હકીકતથી સૌ શિક્ષકોને વાકેફ કર્યાહતા. માઇધાર ગ્રામ પંચાયતના સરપંચ દિનેશભાઈ ડાંગરનો પણ પૂરતો સહયોગ મળ્યો હતો. સંસ્થાના સંચાલક ભાવનાબેન પાઠકે અભિનય દ્વારા શિક્ષકોને તાલીમ આપવામાં રસ દાખવી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતુ. ચાંપરડા આનંદધારા પ્રોજેકટના ઉત્સાહી મેમ્બર્સ કાળુભાઈ વેગડા, ભાનુભાઈ જોશી, દીપકભાઈ તેરૈયા અને ઘનશ્યામભાઈ તળાવીયાએ હાજરી આપી હતી.

(1:16 pm IST)