Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

લાલપુરમાં સરદાર પાર્ક વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો

બે દિવસ માટે બંધ રહેલા મકાનમાંથી તસ્કરો ૮૭ હજારની માલમત્તાની ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ

(સનત પટેલ દ્વારા)લાલપુર તા. ૨ : જામનગર જિલ્લાના લાલપુરમાં સરદાર પાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતા એક ખેડૂતના બંધ રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને બે દિવસ માટે બંધ રહેલા મકાનમાંથી તસ્કરો રૂપિયા ૪૦ હજારની રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના વગેરે મળી રૂ. ૮૭ હજારની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ લાલપુર પોલીસ મથકમાં નોંધાવી છે. જે ચોરીના મામલે લાલપુર પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે લાલપુરમાં સરદાર પાર્ક સોસાયટી વિસ્તારમાં હાઈવે રોડ પર રહેતા અને ખેતીકામ કરતા રતિભાઈ આનંદભાઈ પટેલ, કે જેઓ ગત ૩૦મી તારીખે પોતાના મકાનને તાળું મારીને પરીવાર સાથે બહાર ગયા હતા. ત્યાંથી ગઈકાલે બપોરે પરત ફરતાં તેઓના મકાનના તાળા તૂટેલા નજરે પડ્યા હતા. જેથી અંદર જઈને નિરીક્ષણ કરતા કબાટ તૂટેલો જણાયો હતો, તેમ જ અંદર રાખેલી ચીજવસ્તુઓ વેરણછેરણ જોવા મળી હતી.

કબાટમાં રાખેલી રૂપિયા ૪૦ હજારની રોકડ રકમ ઉપરાંત એક સોનાનો ચેઇન, બે જોડી સોનાના બુટીયા વગેરે ચોરી થઇ ગયા હોવાનું માલુમ પડયું હતું. જેથી રતીભાઈ દ્વારા લાલપુર પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. અને પોતાના બંધ રહેણાંક મકાનના કોઈ તસ્કરોએ તાળા તોડી અંદરથી રૂપિયા ૮૭ હજારની માલમતાની ચોરી કરી લઇ થયાની ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદ પછી લાલપુર પોલીસે તપાસ હાથ ધરી છે અને આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાઓ ચકાસવાનું શરૂ કર્યું છે.

(1:15 pm IST)