Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

પડધરીના હડમતીયા ગામે વેપારી ઉપર પાંચ શખ્સોનો તલવારથી હુમલોઃ દુકાન પાસે તોડફોડ કરી

ઉધારમાં બીડી આપવાની ના પાડતા અને અગાઉના બાકી રૂપિયાની ઉઘરાણી કરતા : વેપારી હસમુખભાઈ ચૌહાણને ઈજાઃ ભવાન ડાંગર સહિત ૫ સામે પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા. ૨ :. પડધરીના હડમતીયા ગામે ઉધારમાં બીડી આપવાની ના પાડતા અને અગાઉના બાકી રૂપિયાની ઉઘરાણી કરનાર વેપારી ઉપર પાંચ શખ્સોએ તલવારથી હુમલો કરી દુકાન બહાર તોડફોડ કરી હતી.

મળતી વિગતો મુજબ હડમતીયા ગામે કરીયાણાની દુકાન ધરાવતા હસમુખભાઈ શામજીભાઈ ચૌહાણ (ઉ.વ. ૩૬) ઉપર તે જ ગામના ભવાન રામજીભાઈ ડાંગર, રાજુ ભવાનભાઈ ડાંગર, મહેન્દ્ર ભવાનભાઈ ડાંગર, રોનક ભવાનભાઈ ડાંગર તથા ભાનુબેન ભવાનભાઈ ડાંગરએ તલવારથી હુમલો કરી કપાળમાં ઈજા કરી હતી. તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. ઈજાગ્રસ્ત હસમુખભાઈની દુકાને આરોપી ભવાન બીડી લેવા માટે જતા હસમુખભાઈએ ઉધારમાં બીડી આપવાની ના કહી તેમજ અગાઉના બાકી રૂપિયા આપવાનુ કહેતા ભવાને ગાળો આપવાનું શરૂ કર્યુ હતુ. બાદમાં રાજુએ તલવાર સાથે ધસી જઈ હુમલો કર્યો હતો. તેમજ અન્ય આરોપીઓએ ત્યાં ધસી જઈ ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ દુકાનની બહાર પડેલ પાણીની નાંદ તોડી નાંખી હતી અને ખુરશી તથા ટેબલ પંખામાં તોડફોડ કરી ૧૦૦૦ રૂ.નું નુકશાન કરી મારી નાખવાની ધમકી આપી હતી.

પડધરી પોલીસે ઈજાગ્રસ્ત હસમુખભાઈની ફરીયાદ ઉપરથી ઉકત પાંચેય સામે ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ હેડ કોન્સ. એફ.ડી. બ્લોચ ચલાવી રહ્યા છે.

(11:44 am IST)