Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

લોધીકાનાં પારડીમાં ઘનિષ્ઠ વનીકરણ ઝુંબેશ અંતર્ગત વન મહોત્સવની ઉજવણી

ખીરસરા તા.ર : સામાજીક વનીકરણ વિભાગ રાજકોટ દ્વારા જિલ્લાને હરિયાળુ બનાવવા તથા ઘનિષ્ઠ વનીકરણ ઝુંબેશના ભાગરૂપે ૬૯માં વન મહોત્સવ ૨૦૧૯ જિલ્લાકક્ષાની ઉજવણી મુળુભાઇ બેરા, ચેરમેન શ્રી ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના અધ્યક્ષપદે શ્રી સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા ગામ પારડી તાલુકો લોધીકા ખાતે કરાઇ હતી.

આ તકે વલ્લભભાઇ કથીરીયા ચેરમેન, ગૌસેવા આયોગ તેમજ શ્રી બી.પી.પતિ (મુખ્ય વન સંરક્ષક શ્રી તકેદારી ગાંધીનગર) એ.સી.પટેલ (વન સંરક્ષક શ્રી સામાજીક વનીકરણ વર્તુળ રાજકોટ) તેમજ શ્રી મકવાણા સાહેબ, તાલુકા મામલતદાર, લોધીકા તેમજ શ્રી ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી લોધીકા તેમજ શ્રી અનિલસિંહ ડાભી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી લોધીકા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પ્રાર્થના કર્યા બાદ સામાજીક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી, એમ.એમ.મુનિએ પ્રવચન કર્યુ હતુ. વન વિભાગ દ્વારા મહેમાનોને તુલસીના કયારા આપીને સ્વાગત કરવામાં આવેલ. ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.રાજકોટ જિલ્લામાં પર્યાવરણ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પર્યાવરણ પ્રેમીઓને મુળુભાઇ બેરા, ચેરમેન શ્રી ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના તેમજ મહેમાનોના હસ્તે સન્માનપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારંભમાં માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટની વિજયભાઇ ડોબરીયાની સમગ્ર ટીમનું સન્માન કરાયુ હતુ.

વિજયભાઇ અને તેઓની ટીમ દ્વારા વૃધ્ધાશ્રમના સંચાલન ઉપરાંત પડધરી તાલુકામાં ૨,૨૫,૦૦૦ થી વધુ વૃક્ષો વાવીને અન્યને પર્યાવરણના જતન માટે બનતુ કરી છુટવાની દૈવી પ્રેરણા પૂરી પાડેલ. તેઓની ટીમ દ્વારા ૧૦૦ રૂ.માં પીંજરા સાથે રોપા યોજનાની માહિતી અપાઇ હતી. તેમજ ઉપસ્થિત મહાનુભાવો, એનજીઓ અને વનવિભાગના અધિકારીઓ દ્વારા શાળાના પ્રાંગણમાં ૪૫૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતુ. આ વાવેતર શાળાના બાળકો માટે ભવિષ્યમાં આવા જ વૃક્ષારોપણ કરવા માટે અંતઃસ્ફુરણા જન્માવેલ. રાજકોટ શહેરની વૃક્ષપ્રેમી જનતાને ગ્રીન ગુજરાત, કલીન ગુજરાત ઝુંબેશમાં સહભાગી બનવા માટે આ કાર્યક્રમમાં પ્રેરણારૂપ સાબિત થયેલ. આ કાર્યક્રમમાં મહાનુભાવોએ લોકોને પર્યાવરણ પ્રત્યેની આપણી ફરજોને યાદ કરાવીને વૃક્ષારોપણ થકી કુદરતનું ઋણ ચુકવવા માટે આહવાન કરવામાં આવેલ હતુ. સામાજીક વનીકરણ વિભાગના મદદનીશ વન સંરક્ષક એચ.વી.મકવાણાએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામનો આભાર માન્યો હતો. પ્રકાશભાઇ ભાલાળા દ્વારા સંચાલન કરાયુ હતુ.(૪૫.૯)

(12:11 pm IST)