Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

કચ્છના મુન્દ્રા અને માંડવી પંથકમાં ક્યાંક ઝાપટાં તો ક્યાંક ધોધમાર વરસાદ : મુન્દ્રા અને માંડવીમાં દહિંસરા ગામે પાણી વહી નીકળ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજતા.૨ :  કચ્છના મુન્દ્રા અને માંડવી પંથકમાં આજે સવાર થી ભારે ઉકળાટ બાદ વહેલી સવારથી જ વાદળીયા માહોલ વચ્ચે ઝરમર ઝરમર વરસાદ બાદ ધીરે ધીરે વાતાવરણ પલટાયું હતું અને બપોરે છૂટો છવાયો ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેને પગલે અનેક જગ્યાએ પાણી વહી નીકળ્યાં હતા. માંડવીમાં દહિંસરા અને આસંબીયા ગામ વચ્ચેના પંથકમાં ધોધમાર ઝાપટું વરસ્યું હતું. જેને પગલે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા.
આજે શનિવાર હોવાથી સ્કૂલ છૂટવાના સમયે જ વરસાદ નું પાણી ભરાતા છાત્રો પલળતા પલળતા ઘેર પહોંચ્યા હતા.
મુન્દ્રા શહેરની ઓસવાળ ફળીયા સ્થિત આવેલ પ્રાથમિક શાળા પાસે ગોઠણ ડૂબ પાણી ભરાયા હતા. તેવી જ રીતે ભાટિયા ચોક થી જૂની ટેલિફોન એક્સચેન્જ કચેરી, જવાહર ચોક, જૂની કોર્ટ થી હંસ ટાવર, મૈત્રી કોમ્પ્લેક્સ થી તાલુકા પંચાયત સહીત તેમજ વિવિધ સોસાયટી વિસ્તાર માં વરસાદી પાણી ભરાયા હતા.
મુન્દ્રા ના નવલખા બંગલા થી આઠકોટી નાની પક્ષ જૈન સ્થાનક સુધી દર વર્ષે કાયમી વરસાદી પાણી ભરાતા હોઈ દર વખતે મુશ્કેલી સર્જાય છે. (તસવીર: રાજ સંઘવી, મુન્દ્રા)
 
 
 

 

(2:50 pm IST)