Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

મોરબીમાં અષાઢી બીજના પાવન પર્વે મચ્‍છુ માતાજીની પરંપરાગત રથયાત્રા : હૈયે હૈયું દળાય તેટલી ભીડ ઉમટી

મંત્રી બ્રિજેશ મેરજાએ પુષ્‍પવર્ષા કરી : સારા વરસાદની કામના કરી વિવિધ સમાજ - આગેવાનો દ્વારા રથયાત્રાનું ઉમળકાભેર સ્‍વાગત કરાયું : કોમી એખલાસના વાતાવરણમાં યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્‍ન

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨ : મોરબીમાં આજે અષાઢી બીજના પાવન પર્વે મચ્‍છુ માતાજીની પરંપરાગત રથયાત્રા યોજાઈ હતી પોલીસના ચુસ્‍ત બંદોબસ્‍ત વચ્‍ચે જય મચ્‍છુમાંના જયઘોષ સાથે રથયાત્રાનો પ્રારંભ કરાયો હતો જેમાં રબારી, ભરવાડ સમાજ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને રાસ ગરબા, ટીટોડો અને હુડોની રમઝટ બોલાવી હતી.
રથયાત્રા મહેન્‍દ્રપરા ખાતેથી પ્રારંભ થઈને મહેન્‍દ્રપરા મેઈન રોડ, પરાબજાર, નગર દરવાજા ચોક, ગ્રીન ચોક અને દરબાર ગઢ ખાતે પહોંચી હતી જયાં નદીના કિનારે આવેલ મચ્‍છુ માતાજી મંદિર ખાતે રથયાત્રાની પુર્ણાહુતી કરી હતી જે સમગ્ર રથયાત્રાના રૂટ પર ઠંડાપીણા, શરબત, લસ્‍સીનું વિતરણ કરાયું હતું કોરોના મહામારી બાદ બે વર્ષ બાદ રથયાત્રા યોજાતા આજે માત્ર મોરબી જ નહિ સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી માલધારી સમાજના લોકો મોટી સંખ્‍યામાં રથયાત્રામાં જોડાયા હતા.
રથયાત્રા રૂટમાં ટ્રાફિક સમસ્‍યા ના સર્જાય તે માટે અગાઉ જ પ્રવેશબંધી અને નો-પાર્કિંગ ઝોન અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્‍યું હતું તો રથયાત્રા શહેરમાંથી પસાર થઇ ત્‍યારે હિંદુ સમાજના વિવિધ સંગઠનો, વિવિધ સમાજ તેમજ મુસ્‍લિમ સમાજના આગેવાનો દ્વારા રથયાત્રાનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું મુસ્‍લિમ સમાજના આગેવાનો દ્વારા અષાઢી બીજની માલધારી સમાજના આગેવાનોને શુભકામનો પાઠવીને મો મીઠું કરાવવામાં આવ્‍યું હતું તેમજ રાજયના મંત્રી બ્રિજેશ મેરજાએ પણ શહેરના નહેરુગેટ ચોક ખાતે રથયાત્રાનું સ્‍વાગત કરીને ફૂલોનો વારસદ વરસાવ્‍યો હતો અને અષાઢી બીજના સૌને રામ રામ કરીને મોરબી અને ગુજરાત તેમજ ભારતભરમાં સારા વરસાદ માટે માં મચ્‍છુને પ્રાથના કરી હતી.
યાત્રા ગ્રીનચોક પહોંચી ત્‍યાં આર. એસ.એસ. અગ્રણી ડો. જયંતીભાઇ ભાડેસીયા,જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, પત્રકાર પ્રવિણ વ્‍યાસ તેમાં મોરબી મુસ્‍લિમ સમાજના ધર્મગુરુ રસિદનાપુ તેમજ મુસ્‍લિમ બિરાદરો દ્વારા મહંત ઘનશ્‍યામદાસજી મહારાજ, બિજલ ભગત સહિત સંતો મહંતોના સન્‍માન કરવા સાથે યાત્રાનું સ્‍વાગત કરી એકબીજાને અષાઢી બીજ ની સુભકમનાઓ પાઠવી હતી.
હાલ દેશમાં ચાલી રહેલ વિવાદોને પગલે રથયાત્રામાં કોઈ અનિચ્‍છનીય બનાવ ના બને તે માટે પોલીસના ઉચ્‍ચ અધિકારીઓની દેખરેખ હેઠળ સમગ્ર રૂટ પર પોલીસનો ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવાયો હતો તમેજ ડ્રોન કેમેરાથી સમગ્ર રથયાત્રાના રૂટ પર ચાપતી નજર રાખવામાં આવી હતી
આજે મચ્‍છુ માતાજીની રથયાત્રા નગર દરવાજા નજીકથી પસાર થઇ રહી હોય દરમિયાન એક દુકાનની દીવાલ તૂટી પડી હતી રથયાત્રામાં હજારો લોકો જોડાયા હોય જે અહીંથી પસાર થતા હતા ત્‍યારે દીવાલ પડી હતી જોકે સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી.ᅠ પોલીસ ચુસ્‍ત બંદોબસ્‍ત અને કોમિ એકતાના માહોલમાં યાત્રા શાંતિપૂર્ણ રીતે આનંદ ઉલ્લાસ સાથે સંપન્ન થઈ હતી.

 

(12:33 pm IST)