Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

દ્વારકાધીશ જગતમંદિરમાં અષાઢી બીજની ભવ્‍ય ઉજવણી ચાંદીના રથમાં બિરાજમાન શ્રીજીના ઉત્‍સવ સ્‍વરૂપે ભાવિકોની ઉપસ્‍થિતીમાં ચાર પરિક્રમા

દ્વારકા : અષાઢી બીજ નિમિતે ભારતભરમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. મંદિર પરિસરમાં યોજેલ રથયાત્રા મહોત્‍સવમાં પુજારી પરિવાર સાથે હજારો ભાવિકો જોડાયા હતા. મહોત્‍સવ અંતર્ગત  દ્વારકાધીશ મંદિરમાં ભગવાનના બાળ સ્‍વરૂપે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. જગત મંદિર દ્વારકા મંદિર પરિસરમાં ભગવાન દ્વારકાધીશની બાળ સ્‍વરૂપે રથયાત્રા કાઢવામાં આવી હતી. આજરોજ અષાઢી બીજના પાવન દિવસે યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના બાળ સ્‍વરૂપને ચાંદીના રથમાં બેસાડીને દ્વારકાધીશ મંદિર પૂજારી પરિવાર દ્વારા દ્વારકાધીશના મુખ્‍ય ગર્ભગૃહને ફરતે ચાર વખત પરિક્રમા કરવામાં આવી હતી. ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના સંક્રમણને કારણે બે વર્ષ સુધી યાત્રાળુઓને રથયાત્રા દરમ્‍યાન પ્રવેશ નિષેધ રહયા બાદ આ વખતે ત્રણ વર્ષ બાદ ભાવિકો સન્‍મુખ દ્વારકાધીશ મંદિર ટ્રસ્‍ટ દ્વારા યાત્રાળુઓ માટે રથયાત્રાનું આયોજન કરતા ભાવિકો હોંશે હોંશે જોડાયા હતા. દ્વારકાધીશ મંદિર પૂજારી પરિવાર દ્વારા જણાવવામાં આવ્‍યું કે, દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે પરંપરા મુજબ શ્રીજીના બાળ સ્‍વરૂપને ગર્ભગૃહમાંથી બહાર કાઢીને ભક્‌તો માટે દર્શન ખુલ્લા મૂકવામાં આવે છે. ભગવાન દ્વારકાધીશને બાળ સ્‍વરૂપે સફેદ ચાંદીના અશ્વો અને ચાંદીના રથમાં બેસાડીને શ્રીજીને મુખ્‍ય મંદિરની કરતે ચાર વખત પરિક્રમા કરવામાં આવે છે. શ્રીજીની દરેક પરિક્રમા બાદ ભોગ અને આરતી પણ કરવામાં આવે છે. ભગવાન દ્વારકાધીશના બાળ સ્‍વરૂપે ચોથી પરિક્રમા બાદ દ્વારકાધીશના મુખ્‍ય મંદિરની સામે આવેલા માતા દેવકીના મંદિર પાસે આવેલા સ્‍તંભ સાથે ભટકાડવામાં આવે છે. એક લોકવાયકા મુજબ શ્રીજીના આ રથને આ સ્‍તંભ સાથે અથડાવાથી આકાશમાં વાદળો બંધાય છે અને દરેક જગ્‍યાએ સારો વરસાદ વરસે છે. સારા વરસાદથી ઉત્તમ પાક થતાં ખેડૂતો - લોકોના ઘર ધન-ધાન્‍યથી ભરાય છે તેવી લોકવાયિકા છે. (અહેવાલ : વિનુભાઇ સામાણી, તસ્‍વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)

 

(11:00 am IST)