Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

પોતાના વોર્ડમાં કામ માટે સમય રહે તે માટે મોરબી પાલિકાના રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગના ચેરમેને રાજીનામુ ધરી દીધુ

હજુ બે દિવસ પહેલા જ વરણી થયા બાદ રાજીનામુ ધરી દેતા ભારે ચર્ચા

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૨ : મોરબી હજુ બે દિવસ પહેલાંજ મોરબી નગર પાલિકાની વિવિઘ કમિટીઓમાં એક કમિટીના ચેરમેન બનેલ સદસ્યએ પોતાના ચેરમેન પદેથી રાજીનામુ ધરી દેતા પાલીકા અને સ્થાનિક ભાજપ વર્તુળોમાં રાજીનામા બાબતે ચર્ચાઓએ જોર પકડ્યું છે.

 પોતાના વિસ્તાર વોર્ડ નંબર ૮ માં બાકી રહેલા કામો પુરા કરવા પુરતો સમય મળી રહે તે માટે પોતે રાજીનામુ આપ્યાનું કારણ આપ્યુ છે. જેના કારણે સ્થાનિક ભાજપી રાજકારણમાં ચહલ પહલ મચી ગઈ છે.

 મોરબી નગરપાલિકામાં તમામ ૫૨ બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થયા બાદ ૨૫ જેટલી કમિટીઓની પણ રચના થઈ ગઈ છે તેવા સમયે જ ભાજપમાં આંતરિક ખેંચતાણ અને અસંતોષની આગ ભડકી હોય તેવી સ્થિતિ વચ્ચે આજે વોર્ડ નંબર ૮ ના નગર સેવક અને રમત ગમત અને સાંસ્કૃતિક સમિતિના ચેરમેને રાજીનામુ ધરી દેતા ભાજપમાં ચહલ પહલ મચી ગઇ હોવાનું જાણવા મળે છે.

  જાણવા મળતી વિગતો મુજબ મોરબી નગરપાલિકામાં વિપક્ષની ગેરહાજરી વચ્ચે સર્વેસર્વા ભાજપમાં સભ્યોને સાચવવા માટે બે દિવસ પૂર્વે અડધો અડધ સભ્યોને ચેરમેન બનાવાયા છે ત્યારે મનગમતા ખાતા નહી મળતા માત્ર બે દિવસમાં જ અસંતોષ જોવા મળી રહયો હોય તેમ ગઈકાલે પણ એક સભ્યએ રાજીનામાં આપવાનું બહાર આવ્યા બાદ જવાબદાર આગેવાનો દ્વારા સૌ સારાવાના થઈ જશે તેવી ખાતરી આપતા ઘી ના ઠામમાં ઘી પડી ગયું હતું.

 દરમિયાન ગઇકાલે મોરબી પાલિકાના વોર્ડ નંબર ૮ ના કાઉન્સિલર અને રમત ગમત અને સાંસ્કૃતિક સમિતિના ચેરમેન દિનેશભાઇ કૈલાએ અચાનક રાજીનામુ ધરી દેતા શાસક પક્ષ સ્તબ્ધ બની ગયો હતો. આ અંગે દિનેશભાઇ કૈલાનો સંપર્ક સાધતા તેમને ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હોવાનું સ્વીકારી કહ્યું હતું કે પોતાના વોર્ડના અનેક કામો બાકી રહેતા હોય તે કામ કરવામાં સમય રહે તે માટે રાજીનામુ આપ્યુ છે.

 ઉલ્લેખનીય છે કે નગરપાલિકામાં ભાજપનું સંપૂર્ણ બહુમત સાથેનું શાસન મળવા છતાં આંતરિક ખેંચતાણ અને હુસાતુસી અત્યારથી શરૂ થઈ જતા સ્વચ્છ -તિભા સાથે ચૂંટાઈ આવેલા નવોદિતો મૂંઝવણમાં મુકાયા છે.

(3:12 pm IST)