Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

શેત્રુંજી અને ધારી ગિર પૂર્વ વિસ્તારમાં ૧૫ દિ'માં ૫ સિંહોના મોતથી અરેરાટીઃ સિંહણનો બેબસિયા રોગે ભોગ લીધો

વન વિભાગ દ્વારા દોડધામઃ જીવદયાપ્રેમીઓમાં ચિંતા

રાજકોટ, તા. ૨ :. શેત્રુંજી ડિવીઝન અને ધારી ગીર પૂર્વ વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસમાં ૫ સિંહના મોત થતા ચિંતા પ્રસરી ગઈ છે. જ્યારે એક સિંહણનો બેબસિયા રોગે ભોગ લીધાનું ખુલ્યુ છે.

શેત્રુંજી ડિવીઝનના જાફરાબાદ રેન્જના રેવન્યુ વિસ્તારમાં ફરી એકવાર બેબસિયા નામની ગંભીર બિમારીથી સિંહણનું મોત નિપજ્યુ હોવાનું સામે આવ્યુ હતુ.

ધારી ગિર પૂર્વ અને શેત્રુંજી ડિવીઝનમાં ગયા વર્ષ બેબસિયા નામની ગંભીર બીમારીના કારણે ૨૫થી વધારે સિંહોના મોત નિપજયા હતા, ત્યારે ધારી ગિર પૂર્વ અને શેત્રુંજી ડિવીઝનમાં પણ ફરી આ વર્ષ સિંહોના ટપોટપ મોત થવાનો સિલસિલો શરૂ થયો છે. શેત્રુંજી ડિવીઝનના જાફરાબાદ રેન્જના રેવન્યુ વિસ્તારમાંથી એક બિમાર સિંહણ મળી આવી હતી. ૫ થી ૯ વર્ષની સિંહણને સારવાર મળે તે પહેલા જ બેબસિયા રોગની ગંભીર બિમારીથી મોત થયુ હોવાનું સામે આવતા વન વિભાગમાં પણ દોડધામ મચી ગઈ હતી અને સિંહણ અને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી.

ટૂંકાગાળામાં પાંચથી વધારે સિંહોના મોત થતા સિંહ પ્રેમીઓમાં પણ દુઃખની લાગણી ફેલાય હતી.

(12:54 pm IST)