Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

મોરબી જિલ્લામાં રસી મુકાવવા ધરમધક્કા ખાતા લોકો : કાલે માત્ર ૩૫ સ્થળે વેકસીનેશન

સમગ્ર મોરબી જિલ્લા માટે માત્ર ૩૫૦૦ ડોઝ આવ્યા : ૪૩ સ્થળોએ ફૂલ ૬૩૯૩ લોકોનું વેકસીનેશન કરાયું

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨ : મોરબી જિલ્લામાં પાણી કાપની જેમ રસી કાપ મુકાયો હોય તેવી સ્થિતિ વચ્ચે બુધવારે સરકાર દ્વારા ૬૧૦૦ ડોઝ ફાળવવામાં આવતા ૪૩ જેટલા સ્થળોએ રસીકરણ શકય બન્યું હતું. પરંતુ ગઇકાલે ફરીથી ડોઝ ઘટાડી દેતા ૩૫૦૦ ડોઝ ફાળવવામાં આવતા મોરબી જિલ્લાના માત્ર ૩૫ સ્થળોએ વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લામાં વેકસીનેશનની કામગીરી સાંભળતા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વિપુલ કારોલિયાના જણાવ્યા મુજબ આજે ગુરુવારે વેકસીનેશન માટે સરકાર દ્વારા અગાઉથી ૬૧૦૦ કોવીશિલ્ડ રસીનો જથ્થો ફાળવી દેવાયો હતો. આથી મોરબી જિલ્લામાં ગુરૂવારે ૪૩ જેટલા સ્થળોએ વેકસીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૪૫ પલ્સમાં ૨૦૨૩ લોકો અને ૧૮ થી ૪૪ વયજુથમાં સરકારી કેન્દ્રોમાં ૪૨૯૦ અને ખાનગીમાં ૭૯ મળીને કુલ ૬૩૯૩ લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું. જયારે આવતીકાલ માટે સરકાર દ્વારા ફરીથી ડોઝ ઘટાડી દેવામાં આવ્યા છે એટલે સ્થળો પણ ઘટી ગયા છે.

મોરબી જિલ્લામાં વેકસીનેશન માટે ૩૫૦૦ ડોઝ ફાળવવામાં આવ્યો છે એટલે મોરબીના ૧૩, ટંકારાના ૪, વાંકાનેરના ૯, માળીયાના ૩, હળવદના ૬ મળી કુલ ૩૫ સ્થળોએ વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આમ હજુ પણ વેકસીનેશનમાં ભરતી-ઓટ જેવી સ્થિતિને કારણે ધાંધિયા થઈ રહ્યા છે. બીજી તરફ છેલ્લા ત્રણ દિવસથી સરકાર દ્વારા કોવેકસીનનો જથ્થો ફળવાયો જ નથી. આથી વેકસીનેશન કામગીરી હજુ યોગ્ય રીતે ન થતા સ્ટોક ખલાસ થઈ જવાથી લોકોને ધરમધક્કા થાય છે.

(11:57 am IST)