Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ભાજપની વિચારધારા ધરાવતા પ્રજાપતિ અગ્રણીઓની બેઠક : પક્ષમાં અને આગામી ચૂંટણીમાં સમાજને પૂરતું પ્રતિનિધિત્વ મળે તેવો સૂર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨ : ભાજપની વિચારધારા ધરાવતાં પ્રજાપતિ આગેવાનોની બેઠક તાજેતરમાં જ વાંકાનેર નજીક યોજાઈ ગઈ. શ્રી મુખી મહારાજના આર્શીવાદથી શરૂ કરાયેલી આ બેઠકના પ્રારંભમાં કોરોનાને કારણે અવસાન પામેલા સમાજના દિવંગત આત્માઓને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ઘાંજલિ અર્પણ કરાઈ હતી. ત્યારબાદ પ્રજાપતિ સમાજને ધ્યાને લઈને વિવિધ રાજકીય સૂચનો વ્યકત થયા હતા. બે સેશનમાં યોજાયેલી આ બેઠકમાં વર્ષોથી ભાજપની વિચારધારા સાથે સંકળાયેલા પ્રજાપતિ અગ્રણીઓની સતત ભાજપ દ્વારા ઉપેક્ષા થતી હોવાની અને પ્રજાપતિ સમાજને પક્ષમાં, સરકારના બોર્ડ નિગમમાં પુરતું પ્રતિનિધિત્વ નહીં મળતું હોવાની તેમ જ આવનારી વિધાનસભા ચૂંટણીમાં પ્રજાપતિ સમાજની વસ્તી અનુસાર વધુ ટિકિટો મળે અને વિધાનસભામાં પુરતું પ્રતિનિધિત્વ રહે એ અંગે મુકત મને ચર્ચા કરાઈ હતી.

બન્ને સેશનને અંતે કરાયેલા મહત્વના નિર્ણયો અનુસાર (૧) ભાજપ દ્વારા ૨૦૨૨ ની આવનારી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પ્રજાપતિ સમાજના ૧૦ વ્યકિતઓને ટિકિટ અપાય. (૨) પ્રજાપતિ સમાજ સાથે સંકળાયેલ માટી કામ નિગમને રૂરલ ટેકનોલોજી સાથે જોડી દેવામાં આવ્યું છે, તે નિર્ણય રદ્દ કરી પુનઃ માટીકામ કલાકારી બોર્ડને સ્વતંત્ર કરી તેમાં વધારે નાણાકીય ફાળવણી કરવા. (૩) ગુજરાત સરકારના વર્તમાન બોર્ડ નિગમમાં પ્રજાપતિ સમાજના કાર્યકર્તાઓને સ્થાન આપવા. (૪) માટીકામને ઉદ્યોગનો દરજ્જો આપી, ઈંટ અને માટીના વાસણો બનાવતા વ્યવસાયીઓ માટે ચોક્કસ નીતિ ઘડી આર્થિક સહાય આપવા સહિતના મુદ્દાઓ આ બેઠકમાં ચર્ચાયા હતા.

(11:54 am IST)