Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ચેક રિટર્ન કેસમાં ૭ ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવા મોરબી કોર્ટનો આદેશ

મોરબીના એસટી કર્મચારી સાથે મિત્રતા કેળવી રાજકોટના શખ્સે વિશ્વાસઘાત કર્યો હતો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨ : મોરબીના એસટી કર્મચારી સાથે મિત્રતા કેળવી હાથ ઉછીના નાણાં મેળવ્યા બાદ પૈસા પરત ન ચૂકવી ચેક આપનાર ઈસમનો ચેક રિટર્ન થતા અંગેનો કેસ મોરબી અદાલતમાં ચાલી જતા કોર્ટે ૭ ટકા વ્યાજ સાથે નાણાં ચૂકવવા હુકમ કરી કોર્ટ ઉઠતા સુધીને આરોપીને સજા ફટકારી હતી.આ કેસની વિગત જોઈએ તો મોરબી એસટી વિભાગમાં ફરજ બજાવતા ભરતસિંહ ગુલાબસિંહ જાડેજાને ફરજના કામે રાજકોટ અવાર નવાર જવાનું થતું હોય ડિવિઝન કચેરી બહાર ચાની લારી ધરાવતા ઇસમના સંબંધી એવા હમીરભાઇ રાહાભાઈ સીયાણીયાએ ભરતસિંહ સાથે મિત્રતા કેળવી અને ધંધા માટે જરૂર હોય રૂ.૫૦ હજાર ઉછીના મેળવેલ હતા અને ફરિયાદીને જરૂર પડ્યે તુરત જ નાણાં પરત કરવા વિશ્વાસ વચન આપ્યું હતું અને ચેક પણ આપ્યો હતો.બાદમાં ફરિયાદીએ લેણી રકમ પરત માંગતા આરોપીએ ચેક આપી જૂન મહિનામાં બેંકમાં ચેક નાખવા જણાવતા આ ચેક બેંકમાં નાખતા ચેક રિટર્ન થતા નામદાર અદાલતમાં સમય મર્યાદામાં કેસ કરતા નામદાર અદાલતે આરોપીને ૭ ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવા તેમજ કાનૂની ખર્ચના ૨૫૦૦ તેમજ તાલુકા લીગલ ઓથોરિટીને રૂ.૨૫૦૦ ચૂકવી આપવાની સાથે ઉઠતી કોર્ટની સજા ફરમાવી હતી. આ કેસમાં ફરિયાદ પક્ષે યુવાન ધારાશાસ્ત્રી હરદેવસિંહ જાડેજા રોકાયેલા હતા.

(11:51 am IST)