Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

જસદણના કોળી વૃધ્ધની હત્યામાં રૂપિયા - દાગીના કારણભૂત : એક મહિલા સહિત ત્રણની પૂછતાછ

અમરાપુર પંથકના રેઢા તસ્કરે વૃધ્ધ પાસે રહેલ રોકડ રકમ - દાગીના કઢાવવા  : ભાવનગર પંથકની મહિલા સાથે કાવત્રુ ઘડયાની શંકા : ટુંકમાં ભેદ ઉકેલાય તેવી વકી : ભાવનગર પંથકની મહિલા વૃધ્ધ સાથે ૨૦ દિ' રહી'તી અને ૨ લાખ રૂપિયા વૃધ્ધ પાસેથી ઉછીના લીધા'તા : વૃધ્ધની બેગમાંથી રોકડ રકમ અને દાગીના ગૂમ છે : વૃધ્ધે રૂપિયા - દાગીના ન આપતા પતાવી દેવાયાની શંકા

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૨ : જસદણના દેવપરા ગામની સીમમાં દાઝેલા લોકોને મફતમાં મલમ આપતા માવજીભાઇ મેરામભાઇ કોળી (ઉ.વ.૬૫)ની નિર્મમ હત્યા થઇ હતી. જેમાં પોલિસે ગઇકાલે જ શકમંદોને ઉપાડી લઇ કડક પૂછપરછ કરી છે. સંભવત આ હત્યાનો ભેદ ઉકેલાઇ જશે તેવી પોલિસે આશા વ્યકત કરી છે. આ હત્યા મરણ જનાર પાસે દર-દાગીના અને રોકડ રકમ પડાવવા હત્યા થઇ હોવાનું પણ જાણવા મળે છે. દાગીના અને રોકડ રકમ પડાવવા મહિલાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

જસદણ પંથકમાં બે દિવસમાં થયેલ બે હત્યાના બનાવમાં રૂરલ એલ. અને સ્થાનિક પોલિસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખતા પોલિસ ઉપર ઠેર-ઠેરથી અભિનંદનની વર્ષા થઇ રહી છે.

દેવપરાના વૃધ્ધ કોળીની હત્યામાં હાલ પોલિસે બે પુરૂષ અને એક મહિલાને ઉઠાવી લીધી છે તેની પ્રાથમિક પૂછપરછમાં મરણ જનાર માવજીભાઇ શ્રીમંત હતા તેની પાસે રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના હોય આ પડાવવા બાજુના ગામના શખ્સ દ્વારા પૂર્વ યોજીત કાવત્રુ ઘડવામાં આવ્યું હતું.

જેના ભાગરૂપે થોડા દિવસ પહેલા એક મહિલાને બે લાખ રૂપિયા લઇ માવજીભાઇ સાથે મૈત્રી કરારના નામે મોકલવામાં આવી હતી જે માવજીભાઇની વાડીએ થોડા દિવસ રહી હતી. બાદમાં પરત આવી ગઇ હતી.

બાદ બુધવારની રાત્રે વિંછીયાના અમરાપુર ગામનો શખ્સ જે રીઢો ગુન્હેગાર છે તે અને બીજા એક શખ્સે બુધવારે રાત્રે માવજીભાઇને મોતને ઘાટ ઉતારી દીધા હતા. એલ.સી.બી. અને સ્થાનિક પોલિસે આ બનાવના જુદી-જુદી ટીમો બનાવી ગઇકાલે જ આ શકમંદોને ઉઠાવી આકરી પૂછપરછ કરતા ભાંડો ફુટી ગયો હતો.

જો કે હજુ પોલિસ ખાતા દ્વારા આ અંગે કોઇ સત્તાવાર માહિતી નથી પરંતુ સાંજ સુધીમાં આ હત્યાનો ભેદ ઉકેલાઇ જશે અને તેની વિગતવાર માહિતી આપવામાં આવશે.

જસદણના વિરનગર ગામે થયેલ પટેલ વૃધ્ધની હત્યાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયા બાદ જિલ્લા પોલિસે દેવપરાના કોળી વૃધ્ધની હત્યાના આરોપીને પણ ગણતરીના કલાકમાં ઝડપી પાડયા છે.

આ બનાવે જસદણ - વિંછીયા પંથકમાં કોળી સમાજમાં ભારે ચર્ચા જગાવી છે સામે આરોપી પણ કોળી સમાજના જ હોવાનું બહાર આવ્યું છે.

ભાવનગર પંથકની એક મહિલા જે અહીં થોડા દિવસ રહી હતી તેને પણ પોલિસે ઉઠાવી લીધી છે.

(11:49 am IST)