Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

મોરબીમાં પતરા ફીટ કરતી વખતે પટકાતાં આરીફ બ્લોચનું મોત

યુવાને રાજકોટમાં દમ તોડ્યોઃ પત્નિ સગર્ભા છેઃ પરિવારમાં માતમ

રાજકોટ તા. ૨: મોરબીમાં રેલ્વે સ્ટેશન પાછળ ખાડી વિસ્તારમાં રહેતાં ત્રેવીસ વર્ષના યુવાનનું ફેકટરીમાં પતરા ફીટ કરવાનું કામ કરતી વખતે આશરે ત્રીસેક ફુટ ઉંચાઇ પરથી અકસ્માતે પડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન રાજકોટમાં મોત નિપજ્યું છે.

ખાડી વિસ્તારમાં રહેતો આરીફ અલ્લારખાભાઇ બ્લોચ (ઉ.વ.૨૩) ગઇકાલે મોરબી લખધીરપુર રોડ પર કંજારીયા સિરામીક ખાતે યાસીનભાઇએ જુના પતરા બદલી નવા ફીટ કરવાનું કામ રાખ્યું હોઇ તેમની સાથે મજૂરી કરવા ગયો હતો. અહિ જુના પતરા કાઢતી વખતે ત્રીસેક ફુટ ઉંચાઇ પરથી અકસ્માતે તે પડી જતાં માથામાં ગંભીર ઇજા થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેણે દમ તોડી દેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી. આરીફ ત્રણ બહેન અને ચાર ભાઇમાં વચેટ હતો. તેના લગ્ન થઇ ગયા હતાં. કરૂણતા એ છે કે હાલમાં તેની પત્નિને સારા દિવસો જઇ રહ્યા છે. આરીફ પિતા બનવાની ખુશીની રાહમાં હતો ત્યાં તેની જિંદગી ખતમ થઇ જતાં સ્વજનો આઘાતમાં ગરક થઇ ગયા છે.

(11:48 am IST)