Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ધુપ-છાંવ બફારા સાથે વરસાદ ખેંચાતા ખેડુતોમાં ચિંતા

ચોમાસાના પ્રારંભે જે વિસ્તારોમાં વાવણી થઇ છે ત્યાં વરસાદ ન પડે તો પાક નિષ્ફળ જવાની સંભાવનાઃ સાર્વત્રીક વરસાદની રાહ

 

ધોરાજીઃ તસ્વીરમાં વરસાદની રાહ જોતા ખેડુત નજરે પડે છે. (તસ્વીરઃ ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)

રાજકોટ, તા., ૨: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુપ-છાંવ સાથે બફારો યથાવત છે અને વરસાદ ખેંચાતા ચિંતાના વાદળો છવાયા છે.

ચોમાસાના પ્રારંભે જે વિસ્તારોમાં વાવણી થઇ છે ત્યાં વરસાદ ન પડે તો પાક નિષ્ફળ જવાની સંભાવના છે અને સૌ કોઇ સાર્વત્રીક વરસાદની રાહ જોઇ રહયા છે.

રાજયમાં વરસાદ ખેંચાતા હવામાન વિભાગે આગાહી કરી છેે કે આગામી ૧૦ થી ૧૫ દિવસ સુધી વરસાદ પડવાની શકયતા નહીવત છે અને ત્યાર બાદ ફરી સીસ્ટમ સક્રિય થતા વરસાદ વરસશે. હવામાન વિભાગના અધિકારી દ્વારા પ્રાપ્ત માહીતી મુજબ હાલ બ્રેક મોન્સુન સીસ્ટમ સક્રિય થઇ છે અને વરસાદ લાવવા માટે જે પવન ઉપયોગી સાબીત થતો હોય તે હાલ હિમાલય તરફ વધતા વરસાદ આવવામાં અવરોધ ઉભો થયો છે. આ ૧૦ દિવસના સમયગાળા બાદ ફરી વરસાદ માટેની સીસ્ટમ સક્રિય થયા બાદ વરસાદ આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું.

કાલે આ સીસ્ટમ સક્રિય થતા સમગ્ર રાજયને અસર પહોંચી છે. આ સીસ્ટમ સક્રિય થવા પાછળનું મુખ્ય કારણ એ છેકે પવનની ગતી વધુ હોવાના કારણે જે વાદળો બંધાવા જોઇએ તે બંધાતા નથી. બીજી તરફ બંગાળની ખાડી પરના વિષુવવૃત પર લો-પ્રેશર સીસ્ટમ સક્રિય થતા બ્રેક-મોન્શુન શકય બનતું હોય છે.

ધોરાજી

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજીઃ ધોરાજી અને આજુબાજુના વિસ્તારોમાં સારો  વરસાદ પડતા ધરતી પુત્રોએ મગફળી, કપાસ, સોયાબીન સહીતની ખેતરોમાં વાવણીમાં વાવેલ અને હાલ વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતા કરવા લાગેલ છે. જો તાત્કાલીક વરસાદ થાય તો સારૂ નહી તો મોંઘા ભાવના બીયારણો લઇને બીજી વાર વાવણી કરવી પડે અને હાલ જોરદાર ગરમી પડી રહી છે. વાવેલ પર વરસાદ જોય પણ મેઘરાજા મહેર કરતા નથી અને ધરતીપુત્રો ચિંતામાં છે.

(11:12 am IST)