Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

કચ્છમાં ૨૦૦૦ એકર સરકારી જમીન દસ્તાવેજથી વેંચી નાખવાનું કૌભાંડ : સીઆઈડી ક્રાઈમની તપાસથી ધમધમાટ

બે મોટા માથાઓ ભુજના પ્રતાપ ભવાનજી ઠકકર અને મુંબઈના પ્રવીણ હંસરાજ લોડાયા સામે નામજોગ ફરિયાદથી ખળભળાટ, ૨૦ કરોડથી વધુ કૌભાંડ, ૧૦૯ દસ્તાવેજો અને ૬૦૦ થી વધુ જણાની દસ્તાવેજમાં સહીઓ

(વિનોદ ગાલા દ્વારા) : (ભુજ) કચ્છના લખપત તાલુકાના ભાડરા ગામ અને તેની આજુબાજુની ૨૦૦૦ એકર સરકારી જમીન દસ્તાવેજથી વેંચી નાખવાના કૌભાંડની ફરિયાદ ગાંધીનગર પહોંચ્યા બાદ તેમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસનો ધમધમાટ થતાં જ ચકચાર મચી ગઈ છે. ગાંધીધામના શાંતિલાલ નાનજી પટેલ દ્વારા પોતાને સરકારી જમીન વેચીને ૨૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સમક્ષ કરાયા બાદ તેમણે સીઆઈડી  ક્રાઈમને આ મામલે તપાસનો આદેશ કરતાં આ અંગે તપાસ શરૂ કરાઈ છે. ફરિયાદ પ્રમાણે ભુજના ભાનુશાલી નગરમાં રહેતા પ્રતાપજી ભવાનજી ઠકકર  અને મુંબઈના બિલ્ડર પ્રવીણ હંસરાજ લોડાયા દ્વારા ગાંધીધામના શાંતિલાલ નાનજી પટેલ અને તેમના સબંધીઓને ભાડરા ગામ અને તેની આસપાસના અન્ય ગામોની ૨૦૦૦ એકર સરકારી જમીન એક લાખ રૂપિયા એકરના ભાવે વેચી ૨૦ કરોડ રૂપિયાની ઠગાઈ કરાયેલ છે. આ જમીન નામે ન ચડતાં તપાસ કર્યા બાદ તે સરકારી જમીન હોઈ જે કાગળો અને દસ્તાવેજો કરાયા તે બધાં જ બોગસ હોવાનું સામે આવ્યું  હતું. ૧૦૯ જેટલા દસ્તાવેજોથી આચરાયેલા આ જમીન કૌભાંડ માં ખેડૂતોના દાખલા, પાવરનામાં ઉપરાંત દસ્તાવેજોમાં સહીઓ સહિત ૬૦૦ જેટલા જણા હોવાની ચર્ચા છે. અત્યારે સીઆઈડી ક્રાઈમ ના આર્થિક ગુના નિવારણ શાખાના ડીવાયએસપી એ.એ. સૈયદે તપાસ શરૂ કરીને ભુજના પ્રતાપ ભવાનજી ઠક્કરને દિવસ ૭ માં લેખિત આધાર પુરાવાઓ સાથે હાજર રહેવા જણાવ્યું છે. જોકે, સીઆઈડી ક્રાઈમની તપાસમાં જ આ જમીન કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલા છે એ ખુલશે.

(10:15 am IST)