Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

પોર્ન ફિલ્મ જોવાના શોખીન યુવાને ભચાઉમાં ૪ વર્ષની માસુમ બાળા સાથે કર્યું હતું દુષ્કર્મ

આરોપીને ફાંસીની સજા આપવા માંગ ઇત્તેહાદુલ મુસ્લેમીન હિંદ સંસ્થાની માંગ

ભુજ : રમજાન માસ દરમ્યાન ભચાઉના યશોદાધામ મધ્યે ૪ વર્ષની માસુમ બાળાને પીંખનાર નરાધમ અંતે ઝડપાઇ ગયો છે. આરોપીએ દુષ્કર્મ આચર્યા બાદ કોઈ પુરાવા છોડ્યા ન હોઈ પોલીસ માટે આ કેસ પડકારજનક હતો. ખુદ આઈજી સુભાષ ત્રિવેદીએ પણ બનાવના સ્થળની મુલાકાત લઈને આરોપી ઝડપાય તે માટે નિર્દેશો આપ્યા હતા અને બાતમી આપનારને ૧૦ હજારનું ઇનામ આપવાનું જાહેર કર્યું હતું. તો, મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ ઇત્તેહાદુલ મુસ્લેમીન હિંદ સંસ્થા વતી ૧૧ હજારનું ઇનામ જાહેર કર્યું હતું. અંતે પૂર્વ કચ્છ એલસીબીએ આ ગુનો આચરનાર નરાધમને ઝડપી પાડ્યો છે.

  મૂળ પશ્ચિમ બંગાળના ૧૯ વર્ષીય યુવાન ઈસ્માઈલ સાયકુલા લશ્કરે માસુમ બાળાને પોતાની હેવાનીયતનો શિકાર બનાવી પીંખી નાખી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે એકલો રહેતા અપરિણીત ઇસ્માઇલ મોબાઈલ પર પોર્ન ફિલ્મ જોવાનો શોખીન છે. તેણે અહીં જશોદાનગરમાં પોતાની પડોશમાં જ રહેતી બાળાને ઉપાડી જઈ બાજુમાં આવેલ બાવળની ઝાડીઓમાં તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. મજકુર આરોપીને પોલીસે બાતમીદારોના આધારે સતત નજર રાખીને ઝડપી પાડ્યો હતો. દરમ્યાન ઇત્તેહાદુલ મુસ્લેમીન હિંદ દ્વારા પોલીસે કરેલ કામગીરીને બિરદાવાઈ છે.

 આરોપી ઇસ્માઇલના કૃત્યને હેવાનીયત ભર્યું ગણાવી તેનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને ફાંસીની સજા આપવા માંગણી કરાઈ છે. પૂર્વ કચ્છ એલસીબી પીઆઇ એમ.એસ. રાણા, ભચાઉ ઇન્ચાર્જ પીઆઇ આર.જે. સીસોદીયા અને બન્ને પોલીસ સ્ટેશનના સ્ટાફે આ કામગીરી પાર પાડી હતી.

(11:07 pm IST)