Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

જૂનાગઢમાં બુટલેગરને પકડવા ગયેલ પોલીસને રૂ. ૩૨.૫૩ લાખ મળ્યા

જડતી દરમિયાન મંદિર નીચેથી રોકડ મળતા તપાસનો ધમધમાટ

જૂનાગઢ, તા. ૨ :. જૂનાગઢમાં ગત રાત્રે બુટલેગરના પકડવા ગયેલી પોલીસને તેના ઘરમાંથી મંદિર નીચેથી રૂ. ૩૨.૫૩ લાખની રોકડ મળી આવતા કબ્જે કરવામાં આવી હતી. આ અંગે પોલીસે આયકર વિભાગને જાણ કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત થયેલી વિગતો એવી છે કે, જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારના સંજયનગરમાં રહેતા હીરા પુંજાભાઈ ભારાઈ નામના બુટલેગર સામે અનેક ગુનાઓ નોંધાયા હોય અને હાલ આ શખ્સ ફરાર હોય ગત રાત્રે એસપી સૌરભ સિંઘની સૂચનાથી સી-ડિવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.કે. વાજા સ્ટાફ સાથે હિરા ભારાઈને પકડવા માટે તેના ઘરે ધસી ગઈ હતી.

આ કાર્યવાહી દરમ્યાન હીરા પુંજા તેના ઘરે હાજર મળી આવ્યો ન હતો પરંતુ તેના પિતા પુંજાભાઈ વરજાંગભાઈ ઘરે હોય તેમની હાજરીમા મકાનની પોલીસે ઝડતી લીધી હતી. આ દરમ્યાન હીરા ભારાઈના મકાનના રૂમમાં રહેલ મંદિર નીચે ભોંયતળીયામાંથી રૂ. ૩૨ લાખ, ૫૩ હજાર ૫૦૦ની રોકડ રકમ મળી આવતા અને આ અંગે સંતોષકારક જવાબ નહી મળતા પોલીસે રોકડ રકમ કબ્જે કરી હતી.

આ મામલે પીએસઆઈ શ્રી વાજાએ સી-ડિવીઝનમાં જાણવા જોગ નોંધ કરાવી અને આયકર વિભાગને જાણ કરી આગળની તપાસ હાથ ધરેલ છે.

(2:53 pm IST)