Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

કચ્છમાં સસલાના શિકારના વાયરલ ફોટાએ સર્જી ચકચાર- કાયદાને ઘોળીને પી જતા શિકારીઓ :વન્ય પશુ પ્રાણીઓના શિકાર હોય કે ગૌહત્યા હોય સરકારના કાયદાઓ હવામાં, શિકારી પ્રવૃતિઓમાં ઉછાળો

(ભુજ) વન્ય પશુ પક્ષીઓના સંરક્ષણ મામલે સરકારના કાયદાઓ માત્ર હવામાં જ હોય એવી પરિસ્થિતિ કચ્છમાં સર્જાઈ રહી છે. અત્યારે કચ્છના સોશ્યલ મીડીયામાં સસલાનો શિકાર થયો હોવાના વાયરલ થયેલા ફોટાઓએ ચકચાર સર્જી છે. 

આ ફોટાઓમાં શિકારીઓ સસલાની ચામડી ઉતારી રહ્યા છે. ફોટામાં ચારેક સસલાઓનો શિકાર થયેલો નજરે પડે છે. આ મૃત સસલાઓની ચામડી શિકારીઓ બેરહેમી પૂર્વક ઉતારી રહ્યા છે. વાયરલ થયેલા આ ફોટાઓ ભચાઉ તાલુકાના મનફરા ગામના હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વાગડના ભચાઉ, રાપર પંથકમાં ખુલ્લેઆમ શિકારી પ્રવૃત્તિઓ થઈ રહી છે. જોકે, કચ્છમાં અન્યત્ર પણ શિકારી પ્રવૃતિઓ વધી છે. હમણાં જ સાંઢાઓને જીવતા પકડતો વીડીયો વાયરલ થયો હતો. 

તે ઉપરાંત ભુજના હબાય ગામે મૃત સસલાના અવશેષો ઝડપાયા હતા. જે બનાવમાં ગોળીબાર પણ થયો હતો. તો, ભુજમાં ઢેલનો શિકાર કરીને આવતા બે શિકારી યુવાનોને પોલીસે ઝડપ્યા બાદ સમગ્ર રાજ્યને સાંકળતું રિવોલ્વર, બંદૂક વેચાણનું ગેરકાયદે વેચાણ નેટવર્કનું પ્રકરણ બહાર આવ્યું છે. જોકે, ગૌહત્યાની બાબતે પણ કચ્છમાં ખરાબ પરિસ્થિતિ છે. 

મૂળ વાત કાયદાનો અમલ કરાવવાની છે. સરકાર દ્વારા ગૌહત્યા હોય કે રક્ષિત પશુ પક્ષીઓ માટે વન્ય પ્રાણી સંરક્ષણની વાત હોય કાયદાઓની કડકાઈ માત્ર હવામાં હોય એ રીતે બેખોફ ગેરકાયસર શિકારી પ્રવૃતિઓ અને ગૌહત્યાના બનાવો વધ્યા છે. કાયદાના અમલમાં વનતંત્ર અને પોલીસ બન્નેનું કદ ટૂંકું પડે છે, તો સરકારમાં કાયદાના અમલ માટેની ઈચ્છા શક્તિની અસર વરતાતી નથી.

(2:13 pm IST)