Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

પોરબંદર પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ચીફ ઓફિસરની ઓફિસનો દુરુપયોગ કરતા હોવાનો કોંગ્રેસના આગેવાનોના ગંભીર આક્ષેપ

પૂર્વ ઉપપ્રમુખ દ્વારા ગેરકાયદે મૌખિક હુકમો અને ખોટા બીલ પસાર કરાવવામાં મનમાની સામે કોંગ્રેસના આગેવાનોએ સંયુકત નિવેદન કરીને રોષ વ્યકત કર્યોઃ આંદોલનની ચીમકી

પોરબંદર, તા.૨: નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ સરજુ કારીયા ગેરકાયદે પાલિકા ચીફ ઓફિસર અને વહીવટદારની ઓફિસમાં આવીને ઓફિસનો દુરોપયોગ કરતા હોવાનો ચોંકાવનારો આક્ષેપ કોંગ્રેસના આગેવાનોએ સંયુકત નિવેદનમાં કરીને રોષ વ્યકત કર્યો છે.

પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરા, શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરીમલભાઈ ઠકરાર, તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા રામદેવભાઈ મોઢવાડિયા, ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ સમિતિના મંત્રી સંદીપભાઇ ઓડેદરા, જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધર્મેશભાઇ પરમાર, પોરબંદર જિલ્લા એન.એસ.યુ.આઈના પ્રમુખ કિશનભાઇ રાઠોડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પોરબંદર નગરપાલિકાના ભુતપુર્વ ઉપપ્રમુખ સરજુ કારીયા પોરબંદર નગરપાવિકા કચેરી ખાતે આવીને પોરબંદર નગરપાલિકાના વહીવટદારની ચેમ્બર ખોલીને વહીવટદારની ચેમ્બરમાંથી કર્મચારીઓને હુકમ કરે છે અને નગરપાલિકાની વિવિધ શાખાઓના અધિકારીઓ અને કર્મચારીઓને ગેરકાયદેસર રીતે મૌખિક હુકમો કરીને વિવિધ કામોની ફાઈલો મંગાવે છે અને ખોટાં બીલો પાસ કરવા માટે હુકમો કરે છે.

કોંગ્રેસના આગેવાનોએ નિવેદનમાં વધુમાં જણાવેલ કે નગરપાલિકાના પુર્વ ચીક ઓફિસર અને હાલમાં દહેગામ નગરપાલિકામાં બદલી પામેલા રૂદ્રેશ હુદડ પણ દેગામ રજા મૂકીને પોરબંદર આવ્યા છે. પોરબંદર નગરપાલિકાના ભુતપુર્વ ઉપપ્રમુખ સરજુ કરીયા પોરબંદર નગરપાલિકાની વિવિધ ફાઈલો પોતાના ઘરે લઈ જઈને જુની તારીખોમાં પુર્વ ચીફ ઓફિસર રૂદ્દેશ હુદડ પાસે સહીઓ કરાવે છે જે અતિ નિંદનીય અને દુઃખદ બાબત છે.

કોંગ્રેસના અગ્રણીઓએ આ બાબતે રોષ વ્યકત કરતાં વહીવટીતંત્રને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે વહીવટદારના શાસનમાં નગરપાલિકાની ઓફિસમાં વહીવટદાર કે ચીફ ઓફિસરની ઓફીસ ખોલીને તેઓની ખુરશી પર ગેરકાયદેસર રીતે બેસીને સરજુ કારીયા જો પ્રક્રિયા કરતો માલુમ પડશે તો અમો પણ વહીવટદારની ચેમ્બરનો કે ચીફ ઓફિસરની ચેમ્બરનો કબ્જો લેશુ અને તેના માટે ઉભા થનારા કાયદો અને વ્યવસ્થાની જવાબદારી નગરપાલિકાના અધિકારીઓની રહેશે.

નગરપાલિકાના ચીફ ઓફિસર સરજુ કારીયાને તેની ગાડીમાં આગળ બેસાડીને ફેરવે છે આવું ફરી અમોને માલુમ પડશે તો અમો ચીફ ઓફિસરની સામે આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારતાં પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરા, પરીમલભાઈ ઠકરાર, રામદેવભાઈ મોઢવાડિયા, સંદીપભાઇ ઓડેદરા, ધર્મેશભાઇ પરમાર અને કિશનભાઇ રાઠોડે જણાવ્યું હતું.

પાલિકામાં વહીવટદારનું શાસન હોય તમામ નિર્ણય વહીવટદાર લ્યે છેઃ ચીફ ઓફિસર હેંમતભાઇ પટેલ

પોરબંદર તા.ર : નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ગેરકાયદે ચીફ ઓફીસરની ઓફિસમાં આવીને દુરૂપયોગ કરતા હોવાનો કોંગ્રેસના આગેવાનોએ કરેલ આક્ષેપ અંગે પાલિકાના ચીફ ઓફીસરશ્રી હેમંતભાઇ પટેલે 'અકિલા'ને ટેલીફોનમાં જણાવેલ કે પોરબંદર અને છાંયા સંયુકત નગરપાલિકા બન્યા બાદ હાલ વહીવટદારનું શાસન છે તેથી કોઇપણ આગેવાન ચીફ ઓફીસરની ઓફિસમાં રજુઆત માટે આવ્યા હોય તેવું બની શકે.

ચીફ ઓફિસરશ્રી હેમંતભાઇ પટેલે જણાવેલ કે હાલ વહીવટદાર શાસન હોય નગરપાલિકાના તમામ નિર્ણય વહીવટદાર લઇ શકે.

(12:59 pm IST)