Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

રાજકોટ જિલ્લામાં આ સપ્તાહના અંત સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

ખેતીના પાકોમાં દવાઓનો છંટકાવ કરવો, જૈવિક ખાતરનું પ્રમાણ બમણું રાખવું : મોરબી, દેવભૂમિ દ્વારકા,સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ સંભાવનાઃ વાદળછાયુ અને ભેજવાળુ વાતાવરણ રહેશેઃ ૫ થી ૨૮ કિ.મી.ની ઝડપે પવન ફુંકાશે

રાજકોટ તા.૨: – ભારત સરકારશ્રીના હવામાન ખાતા તરફથી મળેલ હવામાન માહિતી અનુસાર અત્રેના ગ્રામીણ કૃષિ મૌસમ સેવા વિભાગ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરદ્યડીયા તરફથી એક યાદીમાં જણાવ્યાનુસાર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ૫ જુલાઈ સુધી હવામાન ભેજવાળું અને વાદળછાયું રહેશે. રાજકોટ જીલ્લામાં તા.૨ અને ૪ થી ૫ના રોજ હળવાથી મધ્યમ વરસાદ થવાની શકયતા છે. મોરબી જીલ્લામાં આજે ૫ના રોજ હળવાથી મધ્યમ વરસાદ થવાની શકયતા છે, દેવભૂમિ દ્વારકા જીલ્લામાં તા. ૪ થી ૫ના રોજ મધ્યમ વરસાદ થવાની શકયતા છે અને સુરેન્દ્રનગર જીલ્લામાં   તા.૨ અને ૪ થી ૫ના રોજ હળવાથી મધ્યમ વરસાદ થવાની શકયતા છે. પવનની દિશા  નૈઋત્ય અને  પશ્ચિમની મોટા ભાગે રહેવાની અને પવનની ઝડપ ૫ થી ૨૮ કીમી/કલાક રહેવાની શકયતા છે.  આ સમયગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૩૨-૪૦ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૨૭-૩૦ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે.

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા ખેતી કાર્યો અને ખેત પેદાશના વેચાણ અને બીજ, ખાતર અને દવાઓની ખરીદી દરમ્યાન  મોં પર કપડું (માસ્ક) બાંધી રાખવું અને  બે વ્યકિત વચ્ચે ૬ થી ૭ ફૂટ અંતર જાળવવું. જે વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયેલ હોય ત્યાં મગફળી,કપાસ, બાજરી  અને કઠોળ  પાકોનું વાવેતર સમયસર પૂર્ણ કરવું. જયારે ચોમાસું પાકના વાવેતર બાદ બેલી અને સમાર મારવો  જેથી જમીનમાં  ભેજ જળવાઇ રહે, નિંદામણનો નાશ થાય અને પાકનો ઉગાવો સારો થાય. જમીનજન્ય રોગનો ઉપદ્રવ થાય નહિ તે માટે દરેક પાકના બીજને  મેન્કોઝેબ અથવા થાયરમ અથવા વીટાવેક્ષ પૈકી કોઈ એક દવાનો  ૨-૨.૫ ગ્રામ પ્રતિ કિલો બીજ મુજબ પટ આપવો.

 કઠોળ વર્ગના પાકોના બીજને પ્રવાહી રાઇઝોબીયમ અને પી.એસ.બી. જૈવિક ખાતરના કલ્ચરનો ૧૦-૧૫ મી.લી. પ્રતિ કિલ્લો બીજ મુજબ પટ આપવો. જો ફૂગનાશક દવાનો પટ આપેલ હોય તો જૈવિક ખાતરનું પ્રમાણ બમણું રાખવું. વધારાના વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવી અને તેનો ચેકડેમ,તળાવ, ખેત તલાવડીમાં સંગ્રહ કરવો. અનિયમિત વરસાદનું જોખમ ઓછું કરવા કપાસના પાકમાં તલ, મગફળી, સોયાબીન, કઠોળ જેવા પાકોનું આંતર પાક તરીકે વાવેતરનું આયોજન કરવું તેવી કૃષિ વૈજ્ઞાનિક ભલામણ કરાઇ છે.(

(12:55 pm IST)