Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

મેંદરડામાં રવજીએ રાજકોટથી આવેલી પત્નિને છરીના આઠેક ઘા ઝીંકયાઃ સાસુ પણ ઘાયલ

રિસામણે બેઠેલી પત્નિને તેની માતા મુકવા આવી ત્યારે ઝઘડો થતાં તૂટી પડ્યોઃ કોળી મહિલાને ગંભીર ઇજાઃ રાજકોટ સારવાર હેઠળઃ દારૂ પી સતત હેરાન કરતો હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૨: જુનાગઢના મેંદરડામાં રહેતાં રવજી લાખાભાઇ બારૈયા નામના કોળી શખ્સે સાંજે રાજકોટથી પોતાના ઘરે આવેલી પત્નિ મધુ (ઉ.૩૫) પર છરીથી તૂટી પડી આડેધડ આઠ-દસ જેટલા ઘા ઝીંકી દેતાં અને સાસુ જયાબેન લક્ષમણભાઇ ડાભી (ઉ.૫૫-રહે. રૈયાધાર રાજકોટ) વચ્ચે પડતાં તેને પણ હાથમાં છરી ઝીંકી દેતાં મા-દિકરી બંનેને જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

મધુબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. રવજી મુળ ગીર કંસારીયાનો વતની છે. હાલમાં તે મેંદરડામાં સાસુ જયાબેનના મકાનમાં રહે છે. તેની પત્નિ મધુબેન રાજકોટ રૈયાધારમાં માતા જયાબેન ડાભીને ત્યાં આઠેક મહિનાથી રિસામણે છે. રવજી દારૂ પી ખેલ કરી રોજબરોજ મારકુટ કરતો હોવાથી મધુ માવતરે આવી ગઇ હતી. તેણીની માતા જયાબેને આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે મેંદરડાના મારા મકાનમાં પણ જમાઇ રવજી ઘુસી ગયો છે. હું દિકરી મધુને લઇને ગઇકાલે જ રાજકોટથી ત્યાં આટો મારવા અને તેણીને મુકવા માટે ગઇ ત્યારે જમાઇ રવજી ફરીથી દારૂ પીને આવ્યો હતો અને ઝઘડો કરી છરીથી તુટી પડ્યો હતો. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડાએ મેંદરડા પોલીસને જાણ કરી હતી.  તસ્વીરમાં ગંભીર ઇજાગ્રસ્ત મધુબેન અને વચ્ચે બચાવવા આવતાં ઘવાયેલા તેણીના માતા જયાબેન ડાભી નજરે પડે છે.

(11:43 am IST)