Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

મેંદરડામાં પત્ની ઉપર પતિએ છરીનાં ૧૦ જેટલા ઘા ઝીંકી દેતા ગંભીર

વચ્ચે પડેલા સાસુને પણ રાજકોટ પરણેલા જમાઇએ છરી મારી

જુનાગઢ તા. રઃ મેંદરડામાં પત્ની ઉપર પતિ ખુની હુમલો કરી અને વચ્ચે પડેલા સાસુને પણ જમાઇએ છરી ઝીંકી દેતા સનસનાટી મચી ગઇ હતી.

મહિલાને ગંભીર ઇજા થતા તેને વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવેલ છે.

હત્યાની કોશિષનાં આ બનાવ અંગે પ્રાપ્ત થયેલી વિગતો એવી છેકે હાલ રાજકોટમાં રૈયા ધાર રામાપીર ચોકડી પાસે રહેતા અને મૂળ મેંદરડાનાં મધુબેન રવજી બારૈયા-કોળી (ઉ.વ. ૩પ) અને પતિ રવજી લાખાભાઇ બારૈયાને અણ બનાવ હોય બંને અલગ-અલગ રહે છે.

આ દંપતિ વચ્ચે સંતાનો રાખવા બાબતે ઝઘડો ચાલતો હોય અને પતિ રવજી મેંદરડામાં સાતવડલા વિસ્તારમાં પત્ની મધુબેનની માલિકીનાં મકાનમાં રહેતો હતો.

દરમ્યાન ગઇકાલે સાંજે પાંચેક વાગે મધુબહેને પતિ રવજીને મકાન ખાલી કરવાનું કહેતા તે એકદમ ઉશ્કેરાઇ ગયો હતો.

બાદમાં છરી સાથે મધુબેન ઉપર તુટી પડયો હતો. તેન બચાવવા વચ્ચે પડેલા મધુબેનનાં માતા જયાબેન લખુભાઇ ડાભીને પણ રવજીએ છરી ઝીંકી દીધી હતી.

રવજીએ આડેધડ છરીનાં ૧૦ જેટલા ઘા ઝીંકી દેતા મધુબેન પીઠ, પડખામાં તથા હાથ-પગમાં ગંભીર ઇજા થવાથી લોહીલોહાણ થઇ ગયા હતા.

મધુબેનને તાત્કાલિક રાત્રે જુનાગઢ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલા. પરંતુ તેમને રાત્રીનાં રાજકોટ સિવીલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા.

આ બનાવ અંગે પોલીસે મહિલાની ફરીયાદ લઇ તેના પતિ વિરૂધ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પીએસઆઇ આર. એ. જાડેજા ચલાવી રહ્યા છે.

(11:36 am IST)