Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

કેશોદઃ વરસાદ માટે 'ધોરી' માસ ગણાતા અષાઢ-જુલાઇનો આજથી સંયોગ

અષાઢના દશ દિ' વિતી ગયા, આજથી જુલાઇનો પ્રારંભ : નોંધપાત્ર વરસાદ માટે હીન્દુ પંચાગ મુજબ અષાઢ અને અંગ્રેજી કેલેન્ડર અનુસાર જુલાઇ માસ મહત્વનો ગણાય છે ત્યારે બન્ને 'ધોરી' માસનો સંયોગ આગામી ર૦ દિ' રહેનાર હોઇ મેઘરાજા પર કેવો પ્રભાવ પાડશે તે તરફ સૌની મિટઃ કેશોદ વિસ્તારમાં એક માસમાં સાડા દશ ઇંચ

કેશોદ તા.ર : વરસાદ માટે 'ધોરી' માસ ગણાતા અષાઢ અને જુલાઇ માસનો આજથી સંયોગ શરૂ થયેલ છે અષાઢ માસને દશ દિવસ જેવો સમય વિતી જવા પામેલ છે. જયારે જુલાઇ માસના પુરા ૩૧ દિવસ બાકી છે. ત્યારે આ દરમ્યાન લોકો સારા વરસાદની આશા વ્યકત કરી રહેલ છે.

ગત તા.ર જુનથી મેઘરાજાએ  ભિમ અગિયારસના શુકન સાચવી આ વિસ્તારમાં ચોમાસુ સિઝનનો પ્રારંભ કરેલ જેને આજે એક માસ જેવો સમય થવા પામેલ છે આ એક માસના સમય દરમ્યાન આ વિસ્તારમાં સાડાદશ ઇંચ જેવો વરસાદ પડેલ છે.

ગત તા.રર જુનના રોજ અષાઢ માસનું આગમન થતાં છેલ્લા એક સપ્તાહમાં સાડા છ ઇંચ જેવો વરસાદ નોંધાયેલ છે. સાથે સાથે આજથી જુલાઇ માસનો પણ પ્રારંભ થયેલ છે. જુલાઇ અને અષાઢ વચ્ચે એક સપ્તાહનુ અંતર જોવા મળશે ત્યારે જુલાઇ અને શ્રાવણ માસ માટે પણ એક સપ્તાહ જેવો સંયોગ રહેશે.

જાણકારોના મતે નોંધપાત્ર વરસાદ માટે હિન્દુ પંચાગ મુજબ અષાઢ માસ અને અંગ્રેજી કેલેન્ડર મુજબ જુલાઇ માસ મહત્વનો ગણાય છે. આ સમય દરમ્યાન ચોમાસુ સિઝનના કુલ અડધાથી પણ વધુ વરસાદ વરસી જતો હોઇ છે.હીન્દુતીથી (વિક્રમ સંવત) મુજબ આજે અષાઢ સુદ-અગિયારસનો દિવસ છે સાથે આજે જુલાઇ માસનો પ્રથમ દિવસ છે ત્યારે વરસાદ માટે આ બન્ને ધોરી માસ મનાતા અષાઢ અને જુલાઇ મહીનાનો સંયોગ લગભગ આગામી ર૦ દિવસ રહેનાર હોઇ ત્યારે આ દિવસો મેઘરાજા પર કેવો પ્રભાવ પાડશે તે તરફ સૌની મિટ મંડાયેલી છે.અત્રે નોંધનીય છે કે, છેલ્લા બે દિવસથી અત્રે સંપૂર્ણ પણે વરસાદી વાતાવરણ ઉભુ થયેલ છે જો કે મેઘરાજા મન મુકીને વરસી શકતા નથી ગઇકાલે અનુકુળ વાતાવરણ વચ્ચે સ્થાનીક શહેરમાં અડધો ઇંચ જેવો વરસાદ પડેલ હતો જયારે તાલુકાના અન્ય વિસ્તારોમાં વધતા-ઓછા પ્રમાણમાં મેઘરાજાનો પ્રભાવ જોવા મળેલ હતો આજે પણ વાતાવરણમાં ભારે બફારો, ઉકળાટ સાથે આકાશીવાતાવરણ યથાવત જણાઇ રહેલ છે.

(11:36 am IST)