Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

ગોંડલના રાવણામાં એક કલાકમાં દે ધનાધન ૪ ઇંચ

દેરડી(કુંભાજી), વાસાવડ, પાટખીલોરી પંથકમાં પણ ઝાપટાથી ૩ ઇંચ સુધી વરસ્યોઃ ખેતીવાડી વિસ્તારમાં વિજ થાંભલા પડી ગયાઃ વૃક્ષો ધરાશાયીઃ ખેતરોના પાળા તૂટયા

ગોંડલ : ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા નદી-નાળામાં પુર આવ્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)

રાજકોટ તા. ર :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે અને આવા વાતાવરણ વચ્ચે હળવો-ભારે વરસાદ વરસી જાય છે. ગઇકાલે પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા હતા જેમાં ગોંડલ તાલુકાના રાવણા અને આસપાસના વિસ્તારોમાં એક કલાકમાં ૪ ઇંચ વરસાદ પડયો હતો.

જો કે આજે સવારથી રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુપ-છાંવનો માહોલ યથાવત છે. અને સાંજના સમયે કોઇ કોઇ જગ્યાએ વરસાદ વરસી જાય છે.

ગોંડલ અને અમરેલી પંથકના જે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો, ત્યાં ત્રણ થી ચાર ઇંચ જેટલુ જળ વરસી ગયું છે.

રાજકોટમાં આખો દિવસ ભારે બફારો અને તડકો-છાંયડી જેવું વાતાવરણ રહ્યા બાદ સાંજે ૭ આસપાસ સદર, ત્રિકોણ બાગ, કેનાલ રોડ, શાસ્ત્રી મેદાન, જયુબેલી સહિતના જૂના વિસ્તારોમાં વિજળીની ગડગડાહટ સાથે ધોધમાર ઝાપટું વરસી જતા માર્ગો પર પાણી વહી ગયું હતું. ફાયર બ્રિગેડની સેન્ટ્રલ ઝોન કચેરીએ ૧૦ મીમી અને બેડીપરા ખાતે ર૦ મી.મી. વરસાદ નોંધાયો હતો. કાલાવડ રોડ, રૈયા રોડ, મવડી, નવા રાજકોટમાં માત્ર ઝરમર વરસ્યો હતો. જિલ્લામાં પડધરી ખાતે ૮ મી. મી., કોટડા સાંગાણી ૩ મી. મી. રાજકોટ તાલુકામાં ૮ મી. મી. નોંધાયો છે.

જયારે ગોંડલ શહેરમાં જોરદાર ઝાપટું પડી જતા ૧પ મી. મી. નોંધાયો છે, તો ગોંડલ પંથક પર સોમવારે સાંજે ફરી એક વખત વાદળો વરસી પડયા હતાં. દેરડી, મેતાખંભાળીયા, કેશવાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમં સાંજે સુસવાટા મારતા પવન અને ગાજવીજ વચ્ચે મૂશળધાર વરસાદ તૂટી પડયો હતો. દેરડી કુંભાજી, બંધીયા, કેશવાળા સહિતના ગામોમાં ત્રણ થી ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો, તો કયાંક કયાંક તો પાંચ ઇંચ પાણી વરસી ગયું હતું.

અમરેલી શહેરમાં સોમવારે સવારે ભારે ગરમી અને બફારા બાદ બપોરે ર વાગ્યા પછી વાતાવરણમાં પલ્ટો આવી ગયો હતો અને આકાશમાં કાળા ડીબાંગ વાદળો ચડી આવ્યા બાદ વિજળીના કડાકા-ભડાકા સંભળાયા હતાં. પરંતુ ગાજયા મેઘ વરસે નહી તેમ માત્ર અમી છાંટણા સ્વરૂપે માત્ર ૪ મી. મી.  વરસાદ અમરેલી શહેરમાં પડયો હતો. જયારે અમરેલી નજીક આવેલ વડેરા, નાના ભંડારીયા, સણોસરા, મોટા આંકડીયા, ચક્કરગઢ, દેવળીયા ખાતે ધીમીધારે વરસાદ  પડયો હતો જેને લઇ ખેતરોમાં પાણી ભરાતા  ખેતર તળાવ બન્યા હતાં. નાના ભંડારીયામાં તો એક કલાકમાં ત્રણ ઇંચ વરસી ગયો હતો. લીલીયા શહેરમાં પણ સતત બીજા દિવસે મેઘાએ મુકામ કર્યો હતો અને સતત અર્ધી કલાક સુધી ધીમી ધારે હેત વરસાવ્યું હતું.

રાવણા

ગોંડલ તાલુકાના રાવણામાં ગઇકાલે સાંજે એક કલાકમાં ધોધમાર ૪ ઇંચ જેટલો વરસાદ પડયાનું રાવણાના માજી સરપંચ રમેશભાઇ પોશીયાએ જણાવ્યુ હતું.

'અકિલા' સાથેની વાતચીતમાં માજી સરપંચ રમેશભાઇ પોશીયાએ વધુમાં જણાવ્યું કે આ વરસાદથી ખેતીવાડી વિસ્તારમાં વિજ થાંભલા પડી જતા વિજ પુરવઠો ઠપ્પ થઇ ગયો હતો. અને વૃક્ષો પણ ધરાશાયી થઇ ગયા હતાં.

આ વરસાદ દેરડી (કુંભાજી) માં ૩ ઇંચ તથા વાસાવડ, પાટખીલોરી, સહિતના ગામોમાં પણ પડયો હતો જેના કારણે નદી - નાળા છલકાયા ગયા હતા અને વાડી વિસ્તારોમાં પાળા તૂટી જતા ખેડૂતોને આર્થિક નુકશાન થયુ છે તેમ રાવણાના માજી સરપંચ રમેશભાઇ પોશીયાએ 'અકિલા' ને જણાવ્યુ હતું.

ગોંડલ તાલુકાનાં બંધીયા, કેશવાળા, ઘોઘાવદરમાં  પણ ભારેવરસાદ પડતા વિજ થાંભલા ધરાશાયી થયા હતા અને ગોંડલથી અમરેલી તથા બંધિયાથી શીશક વચ્ચેના વાહન વ્યવહારને ભારે અસર પડી હતી. ગોંડલમાં પણ સાંજના સમયે હળવો વરસાદ વરસ્યો હતો.

જસદણ

જસદણ : જસદણ પંથકમાં આખો દિવસ સખ્ત બફારા અને ગરમી બાદ સાંજે તાલુકાના આટકોટ વિરનગર સહિતના વિસ્તારોમાં ઝાપટા પડયા હતાં. જો કે જસદણથી ૧૮ કિલો મીટર દુર આવેલ. વિખ્યાત તીર્થધામ ઘેલા સોમનાથ, મંદિરમાં મેઘરાજાએ ભારે હેતથી પાણી વર્ષા કરી હતી. જસદણ પંથકનાં તમામ જળાશયો ખાલીખમ પડયા છે. ત્યારે ભારે વર્ષા થાય. અને જળાશયો ભરાય જાય એવું લોકો ઇચ્છી રહ્યા છે. અમરેલી જીલ્લામાં અમરેલીમાં ૪ મી. મી., ધારીમાં ૪ મી.મી., લીલીયામાં ૧૯ મી. મી., સાવરકુંડલામાં ૩૮ મી. મી.,  વરસાદ પડયો છે.

જામનગરનું હવામાન

જામનગર : શહેરનું આજનું હવામાન ૩૬.પ મહત્તમ ર૬.પ લઘુતમ ૮૭ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૭.ર પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(11:39 am IST)