Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

ભચાઉ જડસા ગામમાં તડીપાર બુટલેગરને પકડવા ગયેલ સામખીયાળી પોલીસ ઉપર ટોળાનો હુમલોઃ આરોપીને છોડાવી ગયા

૩૦ સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ બાદ શોધખોળ

ભુજ, તા.૨: પૂર્વ કચ્છના વાગડમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સામે પડકાર સર્જતી ઘટનાએ ચકચાર સર્જી છે. ભચાઉના જડસા ગામે ફરાર બુટલેગરને પકડવા ગયેલ પોલીસ ઉપર હુમલો કરીને ટોળાએ આરોપીને છોડાવી જતાં પોલીસની ધાક સામે પણ સવાલો સર્જાઈ રહ્યા છે.

મોરબી અને કચ્છ જિલ્લા માંથી તડીપાર કરાયેલા દેશી દારૂના ધંધાર્થી માવજી મોતી કોળીને પકડવા જડસા ગામે સામખીયાળી પોલીસ ટીમ ગઈ હતી. તે દરમ્યાન આરોપી માવજી તો પોલીસના કબ્જામાં આવી ગયો પણ બુટલેગર માવજીની પત્ની તેના ભાઈ અને ૩૦ જેટલા લોકોના ટોળાએ પોલીસ ઉપર હુમલો કરીને આરોપી માવજીને છોડાવી લીધો હતો. ઝપાઝપીને પગલે પોલીસે પીછેહઠ કરવી પડી હતી.

 આ ચકચારી દ્યટના દરમ્યાન સામખિયાળી પોલીસ સ્ટેશનના એએસઆઈ ભુપેન્દ્રસિંહ જાડેજાની સમયસૂચકતાથી કોન્સેટેબલ ભાવિન બાબરીયાનો જીવલેણ હુમલામાં આબાદ બચાવ થયો હતો. સામખિયાળી પોલીસે આ હુમલા અંગે માવજી મોતી કોળી, તેની પત્ની નવલબેન માવજી કોળી, ભાઈ રમેશ મોતી કોળી સહિત ૧૮ જણા વિરુદ્ઘ નામ જોગ અને ૧૨ અજાણ્યા શખ્સો સહિત કુલ ૩૦  સામે ફરજમાં રુકાવટ સહિત રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

જોકે, જડસા ગામ માં થયેલ હુમલા બાદ પૂર્વ કચ્છ પોલીસ બેડામાં હડકમ્પ મચી ગયો છે, પોતાનું નાક બચાવવા પોલીસ હુમલાખોરોને પકડવા માટે દોડતી થઈ છે.(૨૨.૧૨)

(3:41 pm IST)