Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

ઓજત ડેમમાં ૩૧ જુલાઇ સુધી ચાલે તેટલું પાણી - જૂથ યોજનાને લીધે વરસાદ ખેંચાયો છતાં પાણીની પૂરતી વ્યવસ્થા

જુનાગઢ જિલ્લામાં પીવાના પાણીની સ્થિતિ અંગે સમીક્ષા કરતા જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘીઃ વાસ્મો યોજના અંતર્ગત ૬ નવા ગામોના રૂ. ૮૭.૩૧ લાખના કામોને મંજુરી અપાઇ

જૂનાગઢ તા. ૨ : જુનાગઢ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીએ જિલ્લામાં પીવાના પાણીની વ્યવસ્થા અંગે સમીક્ષા કરી જે ગામોમાંથી રજુઆતો આવી હોય તે ગામોમાં જરૂરી મરામત અને રીપેરીંગની કામગીરી કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સુચના આપી હતી.

જૂનાગઢ જિલ્લામાં હાલ વરસાદ ખેંચાયો છે છતા પુરતા આયોજન અને પીવાના પાણીની કાયમી વ્યવસ્થાને લીધે જિલ્લામાં કોઇ મુશ્કેલી નથી. ઓઝત ડેમમાં હજુ ૩૧ જુલાઇ સુધી ચાલે તેટલું પાણી છે. જિલ્લાના ૪૫૮ ગામો જૂથ યોજના સાથે જોડાયેલા છે. જૂનાગઢ, વંથલી અને માણાવદર અને વિસાવદર નર્મદા યોજના સાથે જોડાયેલા છે. આ તાલુકામાં પણ નિયમિત પાણીનું વિતરણ થઇ રહયું છે.

કલેકટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં  વાસ્મોના અગાઉ મંજુર થયેલ ૩૭૩ ગામોના કામોની પરિસ્થિતિની માહિતી આપવામાં આવી હતી.  નવા છ ગામોમાં નવા કામોની મંજુરી આપવામાં આવી હતી. જેમાં જૂનાગઢનું બામણગામ, વિસાવદરનું જાંબાળા,વંથલીનું ઘુડવદર અને રાયપુરતેમજ માણાવદરનું ચિખલોદ્રા અને વિસાવદરનું કાકચીયાળાનો સમાવેશ થાય છે. આ ગામોમાં રૂ.૮૭.૩૧ લાખના કામોને વહીવટી મંજુરી આપવામાં આવી હતી.

વાસ્મો ડી. ડબલ્યુ એસ.યુ.ના કાર્યપાલક ઇજનેર શ્રી વી.વી.કારીયાએ યોજનાકીય પ્રગતિ અંગેની માહિતી આપી હતી.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીએ  પાંચેક ગામોમાં પાણીની જે રજુઆત આવી છે તે ગામોમાં જરુરી કે વૈકલ્પિક વ્યવસ્થા અંગે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

આ મીટીંગમાં પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર શ્રી ડી.એમ.સિંધલ, આરોગ્ય અધિકારી શ્રી વ્યાસ, ડીસ્ટીકટ કોર્ડીનેટર શ્રી પંડિત અને અન્ય વિભાગના સભ્ય અધીકારીઓ ઉપસ્થિત રહયા હતા

(9:10 am IST)