Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ભીમ અગિયારસનું મુહુર્ત સાચવતા મેઘરાજાઃ પાલીતાણા પંથકમાં વરસાદ

ભાવનગર જિલ્લામાં સતત બીજે દિવસે મેઘરાજા મહેરબાન થતા લોકોમાં આનંદની લાગણીઃ ગરમીમાં રાહત

ભાવનગર, તા. ૨ :. ભાવનગર જિલ્લામાં આજે સતત બીજા દિવસે મેઘરાજા મહેરબાન થયા છે. ગઈકાલે ભાવનગરમાં ૧ ઈંચ વરસાદ તોફાની પવન સાથે પડયા બાદ આજે મેઘરાજાએ ભીમ અગિયારસનું મુહુર્ત સાચવ્યુ છે.

આજે ભાવનગર જિલ્લાના પાલીતાણા અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાનું આગમન થતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાય ગઈ છે.

આજે ભીમ અગિયારસે મેઘરાજાએ સુકન સાચવીને ગોહિલવાડના પાલીતાણા પંથકમાં પધરામણી કરી છે. આજે બપોરે પાલીતાણા તથા ગ્રામ્ય વિસ્તારના વિરપુર, લુવારવાવ, જામવાળા, જીવાપર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા ધીમી ધારે વરસ્યા હતા.

ગરમીથી ત્રસ્ત લોકોએ મેઘરાજાનું આગમન થતા રાહતની લાગણી અનુભવી હતી. વરસાદનું ભીમ અગિયારસના દિવસે આગમન થતા હવે ખેડૂતોમાં ચોમાસુ સમયસર શરૂ થાય તેવી આશા બંધાઈ છે.

(1:34 pm IST)