Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

સુરેન્દ્રનગરમાં બંધ થયેલા રેશનકાર્ડ ફરી ચાલુ કરાવવા ફોર્મ ન અપાતા મહિલાઓનો હોબાળો

આધારકાર્ડ સાથે લીંક ન હોય ટેકનીકલ ખામીને કારણે : કલેકટર કચેરીએ અસંખ્ય લોકો ઉમટ્યા ૧લી જૂને ફોર્મ આપવા કહેલ પણ તંત્રએ કોઠુ ન આપતા બબાલ સર્જાઇ

વઢવાણ,તા.૨: સમગ્ર રાજયમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના વાયરસના પોઝીટીવ કેસો વધી રહ્યાં છે ત્યારે બીજી બાજુ રાજય સરકારે તા.૧લી જુનથી અનલોક-૧ જાહેર કર્યું છે.જેમાં મોટાભાગના તમામ ધંધા અને રોજગાર સહિત સરકારી કચેરીઓ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે અનલોક-૧ના પહેલા જ દિવસે જિલ્લાની કલેકટર કચેરી ખાતે આવેલ સેવા સદનમાં મોટીસંખ્યામાં રેશનકાર્ડ ધારકો ઉમટી પડયાં હતાં અને બંધ રેશનકાર્ડ શરૂ કરવાની માંગ કરી હતી.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા બે મહિનાથી કોરોના વાયરસને કારણે લોકડાઉન હોવાથી રાજય સાથે જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં કામગીરી બંધ હતી જે દરમ્યાન જિલ્લાભરનાં અનેક રેશનકાર્ડ ધારકો કોઈ કારણોસર મળવાપાત્ર અનાજથી વંચીત રહ્યાં હતાં અને લોકડાઉન પૂર્ણ થયાં બાદ સરકારી કચેરીઓ ખુલવાની રાહ જોઈ રહ્યાં હતાં તેમજ બંધ અથવા ઈનએકટીવ રેશનકાર્ડ શરૂ કરવા માટે જવાબદાર તંત્રએ તા.૧લી જુનના રોજ આવવાનું જણાવ્યું હતું પરંતુ અનેક રેશનકાર્ડધારકો પ્રથમ દિવસે કચેરી ખાતે ઉમટી પડયાં હતાં.

પરંતુ માત્ર ફોર્મ ન હોવાના કારણે ધક્કો ખાવાનો વારો આવ્યો હતો જે અંગે મહિલાઓ સહિત રેશનકાર્ડ ધારકોએ સીટી મામલતદાર કચેરી તેમજ સેવા સદન ખાતે ઉગ્ર રજુઆતો કરી હતી અને મામલતદારે વૈકલ્પીક વ્યવસ્થા કરતાં મામલો થાળે પડયો હતો.

(12:48 pm IST)