Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

મોરબીમાં ૬૦ લાખ ચો.મી. ખરાબાની જમીન પચાવી પાડવા ટ્રાન્સપોર્ટેરે નિવાસી કલેકટરના બોગસ સિક્કા બનાવ્યા!

મકનસરના સરકારી ખરાબામાં ટ્રાન્સપોર્ટનગર માટે અઝીઝ ઠૈબાએ જમીનની માંગણી કરી'તી પણ નામંજૂર થતા બોગસ હુકમ ઉભો કર્યો : ટ્રાન્સપોર્ટર અઝીઝની ધરપકડ : અન્યના નામો ખુલે તેવી વકી : સરકારી જમીન કલીયર કરાવવા માટે ભાગીદારો પાસેથી લીધેલ રૂપિયા પરત ન આપવા પડે તે માટે અઝીઝે કૌભાંડ આચર્યું

મોરબી તા. ૨ : મોરબીના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ સરકારી કીમતી જમીન હડપ કરી જવાના ઈરાદે બનાવટી લેટરપેડ બનાવી બનાવટી સિક્કાનો ઉપયોગો કરી નિવાસી અધિક કલેકટરની બનાવટી સહી કરીને કીમતી સરકારી જમીન હડપ કરી જવાની કોશિશ કરી સરકાર સાથે વિશ્વાસઘાત કરી હોવાની પોલીસમાં ફરિયાદ થતાં ચકચાર જાગી છે.

રાજકોટના રહેવાસી અને મોરબીમાં મામલતદાર-૨ તરીકે ફરજ બજાવતા ભરતકુમાર બચુભાઈ કાસુન્દ્રાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી અઝીઝ અબ્દુલ ઠેબા (ઉ.વ.૪૫) રહે મોરબી-૨ મૂળ નાની બરાર તા. માળીયા નામનો ટ્રાન્સપોર્ટ ધંધાર્થી મોરબીની કલેકટર કચેરી ખાતે ઓદ્યોગિક હેતુ ટ્રાન્સપોર્ટ હેતુ માટે મોરબી તાલુકાના મકનસર ગામના સરકારી ખરાબા સર્વે નં ૧૩૩/૧ ની જમીન હેકટર ૬૦.૦૦.૦૦ ચો.મી. જમીનની માંગણી કરેલ જે અન્વયે પ્રોસેસ ફીના નાણા નહિ ભરપાઈ કરતા જમીન ફાળવણી અંગે કરેલ અરજી દફતરે હુકમ કરેલ હોય જે કલેકટર મોરબીની કચેરીમાં વપરાતા લેટરપેડ જેવો બનાવટી લેટરપેડ બનાવી તેમાં કલેકટર કચેરીમાં વપરાતા રજીસ્ટ્રી શાખાના ડીસ્પેચ કલાર્ક મોરબી જીલ્લા તથા OIGS ના સિક્કા બનાવટી સિક્કા બનાવડાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી નિવાસી અધિક કલેકટર મોરબી જીલ્લાની બનાવટી ખોટી સહી કરી સરકારીની કીમતી જમીન હડપ કરવાની કોશિશ કરી સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રાન્સપોર્ટર અઝીઝ ઠેબાએ ટ્રાન્સપોર્ટર નગર બનાવવા સરકારી ખરાબાની જમીનની માંગણી કરી હતી પણ નામંજુર થતા અન્ય ભાગીદારો પાસેથી આ કામ માટે લીધેલ રૂપિયા પરત ન આપવા પડે તે માટે ટ્રાન્સપોર્ટનગર માટે જમીનની મંજુરી મળ્યાના નિવાસી કલેકટરના બોગસ સિક્કા અને હુકમો ઉભા કર્યા હતા.

આ કૌભાંડમાં ટ્રાન્સપોર્ટર અઝીઝ ઠેબાની બી-ડીવીઝન પોલીસે ધરપકડ કરી પૂછતાછ હાથ ધરી છે. આ કૌભાંડમાં તેની સાથે અન્ય કોણ શખ્સો સામેલ હતા? તે અંગે પોલીસ છાન્નભિન્ન શરૂ કરી છે. વધુ તપાસ પી.આઇ. પી.બી.ગઢવી ચલાવી રહ્યા છે.

(12:48 pm IST)