Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ભાવનગર-અમરેલી જીલ્લામાં ભયાનક વાવાઝોડાની ચેતવણીઃ તંત્ર એલર્ટ

એન.ડી.આર.એફ.ની ટીમોનું આગમનઃ બંદરો ઉપર ૧ નંબરના સિગ્નલ યથાવત : દરિયાકાંઠાના અનેક ગામોને એલર્ટ

પ્રથમ, બીજી, અને ત્રીજી તસ્વીરમાં ભાવનગર-જીલ્લામાં વહીવટી તંત્ર સજ્જ થયેલ નજરે પડે છે. ચોથી તસ્વીરમાં જાફરાબાદ-રાજૂલાના દરિયા કિનારે બોટો નજરે પડે છે. (તસ્વીર : મેઘના વિપુલ હિરાણી (ભાવનગર), શિવકુમાર રાજગોર - (રાજુલા).

રાજકોટ, તા. ર :  ગુજરાતમાં વાવાઝોડાના આગમનની ચેતવણી આપવામાં આવી છે જેના પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે. આ વાવાઝોડાની વધુ અસર સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જીલ્લામાં વધુ થવાની દહેશત છે જેના પગલે એન.ડી.આર.એફ.ની ટીમોનું આગમન થઇ ગયું છે.

સંભવિત વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતનાં સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, ડાંગ ઉપરાંત કચ્છમાં પણ એલર્ટ કરી દેવામાં આવ્યુ છે.

વાવાઝોડાની ચેતવણીના પગલે દ્વારકા, જામનગર, નવલખી, જાફરાબાદ, પોરબંદર સહિતના બંદરો ઉપર એક નંબરનું સિગ્નલ યથાવત છે. અને માછીમારોને ચેતવણી અપાઇ છે. 

હાલ સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે ગુજરાત પર વધુ એક ખતરો તોળાઈ રહ્યો છે. ગુજરાતમાં વાવાઝોડાને લઈને ૨-૩ દિવસથી હવામાનમાં પણ ભારે પલટો થયો છે. વાવાઝોડાને લઈને સમગ્ર ગુજરાતના માછીમારોને દરિયો ખેડવા ન જવાની તાકીદ કરવામાં આવી છે. ત્યારે અમરેલી જિલ્લાના કલેકટરએ વાવાઝોડા અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ૩ જૂનના રોજ વાવાઝોડાની આગાહી છે. હાલ તે ગોવા આસપાસ અરબી સમુદ્રમાં જોવા મળી રહ્યું છે. અંદાજે ૩ તારીખે આ વાવાઝોડું મુંબઇ તેમજ દક્ષિણ ગુજરાતના જીલ્લાઓની વચ્ચેથી ફંટાશે. હવામાન વિભાગ દ્વારા આ બાબતે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વાવાઝોડાને લઈને તમામ સાવચેતીરૂપ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. હાલ દરિયા કાંઠા વિસ્તારે આઈ.એસ.ઇ. ની કામગીરી અને વાવાઝોડાને લઈને જાગૃતિ લક્ષી પ્રચાર-પ્રસારની કામગીરી શરૂ છે. તમામ લોકોને વિનંતી છે કે, ૩ જી જૂને રાજુલા અને જાફરાબાદના તમામ લોકો અતિ આવશ્યક કામ સિવાય દ્યર બહાર ન નીકળે. નીચાણવાળા વિસ્તારોમાં કે દરિયા કાંઠા નજીકના વિસ્તારોમાં વસવાટ કરતા લોકો અને કાચા મકાનોમાં રહેતા લોકો પોતપોતાના સગાસંબંધીઓ ના દ્યરે જયાં પાકા મકાનો ઉપલબ્ધ હોય તેમજ ઉચાણવાળા વિસ્તારમાં જતા રહે.

રાજય સરકાર દ્વારા એન.ડી. આર.એફ.ની એક ટીમ જાફરાબાદ ખાતે મોકલવામાં આવી છે. જે આજે રાત સુધીમાં અહીં પહોંચી જશે. અને સમગ્ર વાવાઝોડાની પરિસ્થિતિ કાબુમાં ન આવે ત્યાં સુધી અહીં તૈનાત રહેશે.

રાજુલા

 રાજુલા : રાજુલા મામલતદારશ્રી ગઢીયાએ જણાવેલ કે, હાલમાં વાવાઝોડુ આ વિસ્તારમાં આવવાની શકતાઓ ઓછી છે, પરંતુ વરસાદ પડી શકે છે તેવા હવામાન વિભાગ તરફથી સમાચાર આવેલ છે. આ અંગે ગ્રામ્ય કક્ષાએ ફલ્ટર ટીમો બનાવવામાં આવેલ છે. જેમાં સ્કૂલના આચાર્ય, તલાટી મંત્રી અને સરપંચ તથા નાયબ મામલતદારને જવાબદારી સોંપવામાં આવેલ છે. જેમાં કોઇપણ આકસ્મિક પરિસ્થિતિમાં લોકોને સ્થળાંતર કરવાના થાય તો સ્થાનિક કક્ષાએ સ્કૂલોમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ ધ્યાને લઇને વ્યવસ્થા કરવામાં આવેલ છે. જોકે વરસાદ આગામી એક બે દિવસમાં આવવાની શકયતાઓ હવામાન વિભાગે જણાવેલ છે.પીપાવાવ પોર્ટમાં પણ તકેદારીના પગલાઓ ભરવામાં આવેલ હોવાનું પોર્ટ અધિકારી અને જી.એમ. સંજયસીંગે જણાવ્યું છે કે, હાલમાં પોર્ટ પર ર નંબરનું સીગ્નલ લગાવવામાં આવેલ છે. જો કે આ સીગ્નલનો દર વર્ષે ચોમાસાની સીઝનમાં લગાવવામાં આવે છે. આ ર નંબરના સીગ્નલમાં દરિયામાં મોજા ઉંચા ઉછળશે અને સામાન્ય કરતા હવા વધારે તેજ હોય છે. આ અંગે શ્રી સીંગે જણાવેલ છે કે, ઇમરજન્સીમાં ક્રેન એન્કર ઉપર લઇ જઇ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ કન્ટેન્રો તેમજ લોકોને બહાર સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. જોકે આ વાવાઝોડા અંગે પાકી માહિતી આવતીકાલ સુધીમાં મળી જશે તેમ શ્રી સંજયસીંગે જણાવેલ છે.

ફીશરીઝ વિભાગના જાફરાબાદના ટોપરાણીએ જણાવેલ છે કે જાફરાબાદમાં માછીમારોની બોટો તા. ર૮-પ-ર૦ર૦થી આવી ગયેલ છે. જોકે માછીમારો માટે તા. ૧ જૂનથી ૩૧ જુલાઇ સુધી બંધ જ હોય છે જેથી તમામ માછીમારોની બોટો હાલ તો કિનારે જ લાંગરેલી છે તથા જાફરાબાદ બંદર ઉપર ૧ નંબરનું સીંગ્નલ લગાવવામાં આવેલ છે.

ભાવનગર

ભાવનગર : ભાવનગર જિલ્લામા આગામી તા.૨ થી તા.૬ દરમ્યાન નિસર્ગ વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લઈ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વાવાઝોડા થી કોઈ જાનમાલનું નુકશાન કે અન્ય કોઈ મુશ્કેલી ઉભી ન થાય તે માટે પુર્વ આયોજનના ભાગરૂપે વિવિધ પગલાઓ લેવામા આવી રહ્યા છે.

પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેકટરશ્રી દ્વારા જિલ્લાકક્ષાના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી વિગતવાર સૂચના અપાઈ હતી તેમજ તમામ વિભાગોને જરૂરી સ્ટાફ તેમજ મશીનરી સાથે કાર્યાન્વિત કરવામાં આવ્યા હતા. સંભવિત વાવાઝોડા, ભારે વરસાદની પૂર્વ તૈયારી માટે તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ અને ચીફ ઓફીસરોની તા.૨૬/૦૫/૨૦૨૦ તેમજ આજરોજ પણ વિડીયો કોન્ફરન્સ યોજી સંબંધિત વિભાગોના અધિકારીઓને કામગીરીનું વ્યવસ્થાપન કરવા જણાવવામાં આવેલ તેમજ કરેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવેલ.તેમજ જિલ્લા/તાલુકા કક્ષાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.તંત્ર દ્વારા બે દિવસની વિશેષ ડ્રાઇવ ચલાવી રાહત બચાવના સાદ્યનો જેવા કે જનરેટર સેટ, લાઇફ બોય, લાઇફ જેકેટ્સ તૈયાર કરાયા હતા.

(11:32 am IST)