Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક સ્થળે ઉકળાટ સાથે વરસાદ પ્રચંડ પવન ફુંકાતા અનેક વૃક્ષો ધરાશાયી

ચોમાસાના આગમનના એંધાણ સાથે સવારથી સર્વત્ર ધુપ-છાંવ સાથે મિશ્ર હવામાન : મહત્તમ તાપમાનનો પારો નીચે ઉતર્યો : પવનના સુસવાટા

પ્રથમ અને બીજી તસ્વીરમાં ભાવનગરમાં તોફાની વરસાદથી વૃક્ષો-મંડપ ધરાશાયી, ત્રીજી તસ્વીરમાં અમરેલી પંથકમાં વૃક્ષો ધરાશાયી થયા તે નજરે પડે છે. ચોથી તસ્વીરમાં ગોંડલ પંથકમાં વરસેલ વરસાદ. પાંચમી તસ્વીરમાં ધારીમાં વરસતો વરસાદ તથા છઠ્ઠી તસ્વીરમાં ગોંડલમાં કાલે સાંજે સંધ્યા ખીલી હતી તે નજરે પડે છે. (તસ્વીર : મેઘના વિપુલ હિરાણી (ભાવનગર), અરવિંદ નિર્મળ (અમરેલી), ભાવેશ ભોજાણી (ગોંડલ), કાંતિભાઇ જોષી (ધારી)

રાજકોટ, તા. ર : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે ચોમાસાના આગમનના એંધાણ વર્તાઇ રહ્યા છે. આવા વાતાવરણ વચ્ચે કોઇ કોઇ જગ્યાએ હળવો ભારે તોફાની વરસાદ વરસી જાય છે જેના કારણે પાકને નુકશાન થયું છે.

સવારથી સર્વત્ર ધુપ-છાંવ સાથે મિશ્ર હવામાન યથાવત છે અને મહત્તમ તાપમાનનો પારો નીચે ઉતર્યો છે અને પવન ફુંકાઇ રહ્યો છે.

ગઇકાલે સુરેન્દ્રનગરમાં-૪૧.પ, રાજકોટ-૪૧.ર, અમરેલી-૪૦.૯ ડીગ્રી તાપમાન નોંધાયું હતું.

ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે તો પાકને પણ ભારે નુકશાન થયું છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયકલોનિક સિસ્ટમ્સના કારણે ગુજરાત વાતાવરણમાં પલટો શરૂ થયો છે. છેલ્લા બે ત્રણ દિવસથી સતત પવન ફૂંકાઇ રહ્યો છે. બીજી તરફ મહત્તમ તાપમાનમાં ભેજનું પ્રમાણ જોવા મળ્યો છે, પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા લોકો પરસેવે રેબઝેબ થયા છે. રવિવારે અસહ્ય ઉકળાટ અને બફારો રહેતા નાગરિકો તોબાહ પોકારી ઉઠયા હતાં. રવિવારે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન ૪૧.૧ ડીગ્રી નોંધાયું હતું. જોકે મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ૪૧ ડીગ્રીથી નીચે આવી ગયો છે.

સૌરાષ્ટ્રના અમરેલીમાં બે ઇંચ પડયો છે. જયારે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો. તાપી જિલ્લાના વ્યારા નગર તથા આસપાસના ગામોમાં પવનના સુસવાટા સાથે બે કલાક સુધી ધોધમાર વરસાદ પડયો હતો. વ્યારામાં બે કલાકમાં ૧૯ મી.મી. અને વાલોડમાં રપ મી.મી. વરસાદ પડયો હતો.

ધારી

 ધારી : ધારીમાં જોરદાર પવન સાથે કમોસમી વરસાદથી ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના ખેતરોમાં ઉનાળુ પાકની લણણીના સમયે ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર પવન સાથે કમોસમી વરસાદ પડયો હતો તેમજ ધારીમાં અમરેલી રોડ ઉપર લીમડાનું વૃક્ષ જોરદાર પવનની ઝડપમાં પડી ગયું હતું. સોમવારના સાંજના સમયે સાડાપાંચ વાગ્યે જોરદાર પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ધારી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આશરે એક ઇંચ જેટલો વરસાદ પડયો હતો.

ગોંડલ

ગોંડલ : શહેરમાં વાદળછાંયુ વાતાવરણ છવાયું હતું. જયારે અનીડા વાછડા, કોટડાસાંગાણીના આંબલિયામાં તથા કોલીથડમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો.

ભાવનગર

 ભાવનગરઃ ભાવનગરમાં વાવાઝોડાની આગાહી સાથે ગઇકાલે સોમવારેઢ અચાનક તોફાની પવન ફુંકાયો હતો અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તુટી પડયો હતો. મીની વાવાઝોડા જેવો ભારે પવન અને વરસાદથી લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. શહેરનાં કુંભારવાડા, બોરતળાવ સહિતનાં વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને  ઘોઘા સર્કલ, મહિલા કોલેજ સર્કલ, કીળીયાળા, ગાયત્રીનગર, ગઢેચી વડલા વિગેરે વિસ્તારમાં પ૦ થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા. તોફાની પવનથી હોર્ડીંગ્સ અને પતરા ઉડયા હતા.

શહેરનાં વાઘાવાડી રોડ પર વેલેન્ટાઇન સકર્શ્રલ પાસે એક બિલ્ડીંગનો મહાકાય કાચ તુટી નીચે પડયો હતો. ચાર માળ સુધીનો સળંગ કાચ ભારે પવનથી તુટી પડયો હતો. પરંતુ સદ્દનસીબે કોઇ જાનહાની થઇ ન હતી. જયારે ભાવનગર યુનિવર્સિટી કાર્યાલયની ઉપર મુકાયેલ ત્રણ સોલાર પેનલ નીચે પડી હતી. નીચે પાર્ક કરેલી બાઇકને નુકશાન થયું હતું. ઘોઘા સર્કલમાં એક રીક્ષા ઉપર ઝાડ પડયું હતું. અન્ય એક વિસ્તારમાં મારૂતીકાર ઉપર વૃક્ષ પડયું હતું.

જયારે ભાવનગરનાં બાર્ટન લાઇબ્રેરી પાસે પીજીવીસીએલનાં ટ્રાન્સફોર્મરમાં ભડકો થતાં લોકોમાં ભય ફેલાયો હતો.

શહેરમાં ચોમાસા જેવો માહોલ ઊભો થયો હતો સતત વીજગર્જનાથી લોકોમાં ભય ફેલાયો હતો. મીની વાવાઝોડા સાથેનાં વરસાદને કારણે લોકોમાં સીઝનનો પ્રથમ વરસાદનો આનંદ માણી શકયા નહતા.

દરમ્યાન સંભવિત વાવાઝોડાના પગલે ભાવનગર સહિત જીલ્લાનાં ત્રણ તાલુકાઓમાં એલર્ટ જાહેર કરાયું છે અને જીયાણા વાળા વિસ્તારનાં લોકોને સાવચેત કરાયા હતા.

ભાવનગરમાં રપ મી.મી. વરસાદ નોંધાયો હોવાનું સત્તાવાર સુત્રોએ જણાવ્યું છે. ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૩૮.૩ ડીગ્રી અને લઘુતમ તાપમાન ૩૦ ડીગ્રી નોંધાયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પર ટકા અને પવનની ઝડપ ર૪ કિ.મી. પ્રતિકલાકની રહેવા પામી હતી.

કયાં કેટલું તાપમાન ?

શહેરો

તાપમાન

અમદાવાદ

૪૧.ર

ડીસા

૪૦.૩

ગાંધીનગર

૪૦.૮

વડોદરા

૩૯

સુરત

૩પ.૭

અમરેલી

૪૦.૯

ભાવનગર

૩૮.૯

ઓખા

૩૪.૮

પોરબંદર

૩પ.૧

રાજકોટ

૪૧.ર

વેરાવળ

૩૪

સુરેન્દ્રનગર

૪૧.પ

કેશોદ

૩૮.ર

ભુજ

૩૯.૧

કંડલા

૩૯.ર

(11:31 am IST)