Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

હળવદમાં તોલમાપ વિભાગમાં દરોડાઃ કેટલાક કાળા બજારિયાઓ દુકાનો બંધ કરી દીધી

હળવદ,તા.૨: શહેરમાં ખાસ કરીને પાન-માવા, તમાકુ, બીડીના ભાવમાં કેટલાક મોટા હોલસેલરો પ્રાઈઝ કરતાં વધુ રકમ લેતા હોવાની બૂમરાણ ઉઠી હતી. જેને પગલે આજે તોલમાપ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં શહેરમાં આવેલ બે પાનની દુકાન પર ચેકિંગ કરતા છાપેલી પ્રાઈઝથી વધુ કિંમત લેવાતી હોવાનું સામે આવ્યું હતું. જેથી, તોલમાપ વિભાગ દ્વારા બન્ને દુકાનદારોને દંડ ફટકારવામાં આવ્યો છે.

કોરોના વાઈરસને લઈ રાજ્ય સરકાર દ્વારા પાન તમાકુના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેને કારણે બંધાણીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. જોકે થોડા સમય પહેલા જ રાજ્ય સરકાર દ્વારા પાન માવાના ગલ્લાને ખુલ્લા રાખવાની મંજૂરી અપાઇ હતી. જોકે તેમ છતાં પણ હળવદમાં કેટલીક હોલસેલની દુકાનદારો અને પાનના ગલ્લાવાળાઓ વધુ પૈસા લેતા હોવાની બૂમરાણ ઉઠી હતી. જેને લઇ આજે તોલમાપ વિભાગ દ્વારા હળવદમાં જુદી જુદી બે દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં તોલમાપ વિભાગ દ્વારા બન્ને દુકાનદારોને રૂપિયા બે હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો બીજી તરફ તોલમાપ વિભાગની કાર્યવાહીને પગલે મોટાભાગની શહેરની હોલસેલના દુકાન ધારકો શટર પાડી  તાળા મારી પોબારા ભણી ગયા હતા.

(11:29 am IST)