Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

નર્મદાનું પાણી પહોંચાડવાની સરકારમાં ઇચ્છાશક્તિ નથી- ભાજપના વરીષ્ઠ નેતા તારાચંદ છેડાએ નરેન્દ્રભાઈને લખેલા પત્રએ છેડયો રાજકીય વિવાદ

પાણીની અછત વચ્ચે કચ્છમાં રાજકીય ઘમાસાણ, કોંગ્રેસે ભાજપને લડત લડવાની ટકોર લડતમાં જોડાવવા દર્શાવી તૈયારી, તો ભાજપના ધારાસભ્યોએ છેડાના નિવેદન સામે દર્શાવ્યો વિરોધ, અગાઉ પુષ્પદાન ગઢવીએ પણ સરકાર સામે નર્મદાના પ્રશ્ને કચ્છને અન્યાય કરાતો હોવાની વ્યક્ત કરી હતી લાગણી

(ભુજ) હાલમાં કચ્છમાં પાણીની અનુભવાતી તંગીની બુમરાણ વચ્ચે ભાજપના વરીષ્ઠ આગેવાન અને પૂર્વ રાજયમંત્રી તારાચંદ છેડાએ નર્મદાનું પાણી પહોંચાડવાને મુદ્દે વડાપ્રધાન નરેન્દ્રભાઈને દરમ્યાનગીરી કરવા પત્ર લખ્યો હતો. જેમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈના કાર્યકાળ અને ત્યારબાદ આનંદીબેનના કાર્યકાળ દરમ્યાન જ નર્મદાનું સિંચાઇની નહેરનું કામ થયું હોવાનું અને વર્તમાન સરકારમાં રાજકીય ઇચ્છશક્તિનો અભાવ હોઈ અત્યારે કચ્છમાં નર્મદાનું કોઈ કામ નહીં થયું હોવાનો બળાપો વ્યક્ત કર્યો હતો. સ્પષ્ટ શબ્દોમાં મુખ્યમંત્રી વિજયભાઈની સરકારમાં ઇચ્છશક્તિનો અભાવ હોવાની છેડા દ્વારા કરાયેલી ટકોરે કચ્છમાં રાજકીય ઘમાસાણ સર્જ્યું છે. એ હકીકત છે કે, અત્યારે સરકારના દાવાઓ પછી પણ કચ્છમાં નર્મદાનું પીવાનું પાણી પહોંચતું નથી. તો ખેતીનું પાણી ભચાઉ સુધી નહેરનું કામ થયું હોઈ અટકી ગયું છે. ૨૧ કિલોમીટરનો નહેરનો અટકેલો પ્રશ્ન ઉકેલવા મુખ્યમંત્રીએ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ વખતે આપેલી ખાતરી પછી પણ કોઈ કામગીરી થઈ નથી. પરિણામે, કચ્છમાં પાણીની બુમરાણ અને અછતે વિકટ પરિસ્થિતિ સર્જી છે. આ સંજોગોમાં અગાઉ પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીએ પણ નર્મદાનું પાણી નહીં પહોંચે તો ભાજપને કચ્છની પ્રજા ક્યારેય માફ નહીં કરે એવી અખબારી યાદી દ્વારા વર્તમાન સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. પણ, કચ્છમાં પાણીની બુમરાણ યથાવત રહી હોઇ અંતે પશુધનની, લોકોની અને ખેડૂતોની મુશ્કેલી સંદર્ભે પૂર્વ રાજયમંત્રી છેડાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈને પત્ર લખ્યો છે.

            આ પત્ર બાદ કચ્છ ભાજપના ધરાસભ્યોમાં રાજયમંત્રી વાસણ આહીર, ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષમણસિંહ સોઢા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે છેડાના નિવેદનથી પોતાનો છેડો ફાડી લીધો છે. રાજયમંત્રી વાસણ આહીર, નીમાબેન અને વિરેન્દ્રસિંહે વિજયભાઈ સંવેદનશીલ હોઈ કચ્છ પ્રત્યે તેમનું વલણ હકારાત્મક હોવાનું જણાવ્યું છે. નર્મદા માટે બજેટમાં જોગવાઈ કરાઈ હોવાનો દાવો પણ સરકારમાં પ્રતિનિધિત્વ કરતા આ નેતાઓએ કર્યો છે. જોકે, અત્યારે કામ નથી થઈ રહ્યું તેનું કારણ ૨૧ કિમીનો નહેરનો વિવાદ જણાવીને બજેટમાં અપૂરતા નાણા ફાળવાયાના મુદ્દે તેમણે મૌન ધારણ કરી લીધું છે. તો, ભાજપના અન્ય આગેવાનોએ બરાબર થઈ જશે એવી આશા દર્શાવી છે. જોકે, આ મુદ્દે કચ્છ કોંગ્રેસે ભાજપના આગેવાનોને કચ્છના હિત માટે સાચું બોલવાનું આહવાન કર્યું છે.

              જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી.કે. હુંબલ, પ્રદેશ મંત્રી રવિન્દ્ર ત્રવાડીએ જો નર્મદાના મુદ્દે ભાજપ આંદોલન કરે તો તેને કોંગ્રેસ ટેકો આપશે એવું એલાન પણ કરી દીધું છે. નર્મદા બાબતે લડત ચલાવતી કચ્છ ડેવલોપમેન્ટ કાઉન્સિલના પ્રમુખ અશોક મહેતા અને ઉપપ્રમુખ શશીકાંત ઠકકરે આક્ષેપ કર્યો છે કે, કચ્છ માટે શરૂ થયેલ નર્મદા યોજનામાં કચ્છની જ બાદબાકી થઈ ગઈ છે. એ દુઃખદ છે, ગુજરાતના અન્ય જિલ્લાઓમાં નર્મદાનું પાણી પહોંચડાઈ રહ્યું છે, પણ સરકાર કચ્છ નહેર માટે પૂરતી નાણાકીય જોગવાઈ કરતી નથી, કામ શરૂ કરતી નથી. આ વાસ્તવિકતા દુઃખદ અને આઘાતજનક છે. સતત અછત અને દુષ્કાળનો ભોગ બનતી કચ્છની પ્રજા નર્મદાના પાણી માટે સરકારના અન્યાયનો ભોગ બની રહી છે.

(10:58 am IST)