Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

વાંકાનેરમાં સ્ટવમાં ભડકો થતાં ભાવેશ કોળી અને પત્નિ સંગીતા દાઝયાઃ રાજકોટ ખસેડાયા

પત્નિ કેરોસીન પુરતી હતી ત્યારે ડબલુ ઢોળાયુ અને એ વખતે જ પતિએ ધૂપદિવા કરી દિવાસળી ફેંકતા ભડકો થયો

રાજકોટ તા. ૨: વાંકાનેરના આરોગ્ય નગરમાં ગાયત્રી મંદિર પાસે રહેતો કોળી યુવાન ભાવેશ મનુભાઇ ઉધરેજા (ઉ.વ.૩૧) અને તેની પત્નિ સંગીતા (ઉ.૨૮) ઘરે સાંજે દાઝી જતાં સારવાર માટે વાંકાનેર હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાયા છે.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે વાંકાનેર પોલીસને જાણ કરી હતી. ભાવેશ એક બહેનથી નાનો છે અને કારખાનામાં કામ કરે છે. તેણે આઠ વર્ષ પહેલા વાંકાનેરની જ સંગીતા સાથે લગ્ન કર્યા છે. સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. સંગીતાના કહેવા મુજબ સાંજે પોતે રસોઇ બનાવતી હતી ત્યારે સ્ટવમાં કેરોસીન પુરવા જતાં ડબલાનું ઢાંકણું ખુલ્લુ હોઇ ઉપરથી ઉતારતી વખતે કેરોસીન ઢોળાઇ ગયુ હતું. આ વખતે જ પતિ ભાવેશે ધૂપ દિવા કરીને દિવાસળી ફેંકતા કેરોસીન ઢોળાયેલુ હોવાથી સીધો ભડકો થયો હતો અને અમે બંને દાઝી ગયા હતાં.

પતિ ભાવેશે પણ બનાવ અકસ્માતે બન્યાનું કહ્યું હતું. બનાવ વખતે ચારેય સંતાનો નજીકમાં દાદાના ઘરે હતાં. બનાવ અંગે વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(10:47 am IST)