Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

ધોરાજીમાં પોસ્ટ ઓફીસ રોડને નવો બનાવાયો અને પાછળથી પાણીના જોડાણ માટે ખોદી નખાયો

ધોરાજી, તા. ર : તાજેતરમાં ધોરાજી સરકારી હોસ્પિટલ પાછળનો રસ્તો ડામરથી મઢવામાં આવ્યો. ડામર રોડનું કામ પૂર્ણ થયાના બીજા જ દિવસે પાણીની લાઇન-નળ કનેકશનના જોડાણ માટે નવો નક્કરો ડામર રોડ અનેક જગ્યાએથી ખોદી નખાયો અને પાણીની લાઇન જોડવામાં આવી. તંત્ર દ્વારા જયારે સ્પષ્ટ સુચના હોય કે નવો બનાવેલો ડામર રોડ ખોદી શકાય નહીં ત્યારે તંત્રના નિયમોનો ઉલાળીયો કરી આડેધડ અને મનસ્વી રીતે કામ કરાઇ છે. કામ કરતી વિવિધ એજન્સીઓનો સંકલનના અભાવે શહેરના કૈલાશનગર, પાવર હાઉસ રોડ સહિત અનેક વિસ્તારોમાં નવા નક્કરો ડામર રોડ તોડી નખાયા છે.

આ વખતે પાલિકાના મુખ્ય અધિકારીએ બધી એજન્સી વચ્ચે સંકલન જળવાઇ તેમજ નિયમનું ઉલ્લંઘન કરનારા સામે દંડાત્મક કાર્યવાહી કરવી જોઇએ. અન્યથા પ્રજાજનોની સુવિધા માટે ખર્ચ થનારા લાખો-કરોડો રૂપિયાની રોડ રસ્તાની કામગીરી માત્ર રૂપિયાનું ધોવાણ જ સાબીત થશે અને પ્રજાની હાલાકી એમની એમ જ રહેશે.

ધોરાજીમાં રોડ રસ્તા માટે મોટુ લોક આંદોલન થયું. વિકાસના કામો ચાલુ થયા પણ નવા રોડ બન્યા બાદ તંત્રને જુના કનેકશન યાદ આવતા પોસ્ટ ઓફીસ વાળા રોડ પર ડામર કામ થઇ ગયા બાદ ફરી તેના પર પેવર કામ થયું અને નળ કનેકશન સહિતના કનેકશનો યાદ આવતા નવા ડામર તોડવાની કામગીરી થઇ રહી છે. આને 'વિકાસ ગાંડો થયો છે' તેવું હવે લોકો કહી રહ્યા છે.(૮.૧૧)

(12:51 pm IST)