Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

આગોતરી વાવણીનો પ્રારંભઃ મોસમની વાવણીની તૈયારી

જેને પાણીની સુવિધા છે તેણે કપાસ-મગફળી વાવવાનું શરૂ કર્યુ, બાકીનાને ૧પ જૂન આસપાસ વાવણી લાયક વરસાદની આશાઃ સારા વર્ષના શુભસંકેત

રાજકોટ તા. ર :.. ધોમધખતા ઉનાળાના અંતનો આરંભ દેખાતા ખેડૂતો હવે મેઘરાજાની પધરામણીના દિવસો ગણવા લાગ્યા છે. પાણીની (બોર-કુવા) સુવિધા ધરાવતા ખેડૂતોએ આગોતરી (ઓરવી) વાવણીના મંડાણ કરી દીધા છે. બાકીના મોટાભાગના ખેડૂતો ૧પ જુન આસપા વાવણી લાયક વરસાદ થવાની આશા રાખી રહ્યા છે.

સામાન્ય રીતે ૧પ જુન આસપાસ કે ત્યારપછી વરસાદના આગમના અને પ્રમાણે ધ્યાને રાખીને ખેડૂતો વાવણી કરતા હોય છે. સૌરાષ્ટ્રમાં ચોમાસાના પ્રારંભ વખતનો મુખ્ય પાક મગફળી અને કપાસ છે. જે ખેડૂતોના ખેતરમાં ધોરીયા પલાળી શકાય એટલા પાણીની સુવિધા છે. તે અત્યારથી જ વાવણી કરી શકે છે. આવી સુવિધા ધરાવતા ઘણા ખેડૂતોએ આગોતરી વાવણીની શરૂઆત કરી દીધી છે. આગોતરી વાવણીથી ખેતીની ઉપજ વહેલી મેળવી શકાય છે. શરૂઆતના પાકનો ઉતારો (ઉપજનું પ્રમાણ) સારુ રહે તેવુ કૃષિ ક્ષેત્રના લોકોનું કહેવુ છે. ખેડૂતોને સારા ભાવ મળવાની શકયતા પણ વધી જાય છે. જો આગોતરી વાવણી કર્યા પછી વરસાદ લાંબા સમય સુધી ન આવે અને પાણીની બીજી વ્યવસ્થા ન થઇ શકે તો વાવણી નિષ્ફળ જવાની ભીતિ રહે છે. આવા સંજોગોમાં મહેનત અને બિયારણનો ખર્ચ એળે જાય છે. આ વરસે સારા વરસાદના સંકેત હોવાથી ખેડૂતો વિશેષ આશા સાથે ખેતીની તૈયારીમાં લાગ્યા છે.

(11:57 am IST)