Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

બોટાદ પાલિકાના આધુનિક સેન્ટ્રલ એ.સી.'શ્રી નાનાજી દેશમુખ'ટાઉનહોલનો લોકાર્પણ

બોટાદ, તા.૧: બોટાદ નગરપાલિકા દ્વારા વિકાસને નવી દિશા આપવા લોકહિતાર્થે અદ્યતન સુવિધાસભર બનાવવામાં આવેલ સેન્ટ્રલ એ.સી. શ્રી નાનાજી દેશમુખ ટાઉનહોલનું લોકાર્પણ મંત્રીશ્રી સૌરભભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં ઉદ્દબોધન કરતાં મંત્રીશ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતુ કે, શહેરીજનોને સારી સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે બોટાદ શહેરમાં નગરપાલીકા દ્વારા અનેકવિધ વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે. જે પૈકી બોટાદના શહેરીજનોની શહેરમાં આધુનિક ટાઉનહોલ બનાવવાની લાગણીને ધ્યાને લઈ નગરપાલિકા દ્વારા અંદાજીત રૂપિયા ૧.૫૦ કરોડના ખર્ચે આધુનિક ટાઉનહોલ બનાવવામાં આવ્યો છે. શહેરના વિકાસને ધ્યાને લઈ આ ટાઉનહોલને સંપૂર્ણ સુવિધાયુકત બનાવવા બદલ નગરપાલિકાના અધિકારી – પદાધિકારીશ્રીઓ અભિનંદનીય છે.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્યશ્રી ડો. ટી. ડી. માણીયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતુ. કાર્યક્રમના પ્રારંભમાં સ્વાગત પ્રવચન નગરપાલિકાના પ્રમુખશ્રી બીનાબેન મહેતાએ અને અંતમાં આભાર વિધી નગરપાલિકાના ઉપ પ્રમુખશ્રી કિશોરભાઈ પાટીવાળાએ કરી હતી.

આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ બોટાદ શહેરમાં રૂપિયા ૧૭ લાખના ખર્ચે રીડેવલોપ કરવામાં આવેલ ઝવેરચંદ મેદ્યાણી ગાર્ડનનું અને કૃષ્ણસાગર તળાવ પાસે રૂપિયા ૩૩ લાખના ખર્ચે બનાવવામાં આવેલ કૃષ્ણકુમાર સિંહજી ગાર્ડનનું પણ ડીઝીટલ તકતી અનાવરણ દ્વારા લોકાર્પણ કર્યું હતુ. આ તકે બોટાદ નગરપ્રાથમિક શિક્ષણ સમિતી હસ્તકની ૧૭ પ્રાથમિક શાળાઓને ભારતના સંતો – મહાપુરૂષોના નામની ઓળખ આપી નામાંકરણ કરવામાં આવ્યું હતુ.

આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી સુજીત કુમાર, પોલીસ અધિક્ષકશ્રી સજ્જનસિંહ પરમાર, અગ્રણીઓ સર્વશ્રી સુરેશભાઈ ગોધાણી, ભીખુભાઈ વાદ્યેલા, બ્રિજરાજસિંહ ઝાલા, મીનાબેન રાણપુરા, ભોળાભાઈ સહિતના પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.

(11:44 am IST)