Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

ગોંડલમાં પ્રસુતિ બાદ મહિલાના મોત માટે પાલિકા અને કોન્ટ્રાકટર જવાબદારઃ ડો. હેમાંગ વસાવડા

રસ્તાની કામગીરી ૨૪ કલાકમાં ચાલુ ન કરાય તો આંદોલનઃ વાલ્મીકી સમાજ અને વિરોધ પક્ષનો આક્રોશ

ગોંડલ તા.૨: ઉમવાડા રોડ ઉપર ત્રણ માસથી આર.સી.સી. રોડ બનાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ પરંતુ આ રોડને ખોદીને રાખી દેવામાં આવતા વાલ્મીકી સમાજ દ્વારા વારંવાર રોડને લઇને રજુઆત કરવામાં આવી હતી તેમ છતાં પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવતી ન હોવાથી બાળકો વૃધ્ધોને ચાલવા પણ મુશ્કેલી ઉભી થતી હતી જેમને લઇને આ રોડ ઉપર ચાલતા ચાલતા પડી જવાનો બનાવ પણ બનવા પામ્યો છે ત્યારે એક વર્ષ પહેલા લગ્નગ્રંથીથી જોડાઇને દિપકભાઇ બેરડીયાએ ઘરસંસાર ચાલુ કરેલ હતો જયારે તેમના પત્નીને સારા દિવસો ની શરૂઆત થતા હોસ્પિટલે લઇ જવામાં રોડ અવરોધ બન્યો હતો. છ દિવસ પહેલા મહિલા અંકિતાબેન બેરડીયા ઉ.વ. ૨૦ને પ્રસુતિની પીડા થતાં સમયસર હોસ્પિટલે પહોંચાડવામાં મોડું થતા એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યા બાદ મહિલા ની તબીયત લથડતા હોસ્પિટલમાંજ દાખલ કરવામાં આવી હતી.

જયાં છ દિવસ ની સારવાર બાદ મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થવા પામ્યો હતો અને વાલ્મીકી સમાજ માં રોષ ફાટી નીકળ્યો હતો વાલ્મીકી સમાજના આગેવાનો ભેગવા થવા લાગતા શબ લઇને પાલિકા કચેરીએ જવાનું કહેતાજ પાલિકા અધિકારી અને પદાધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી અને ઉમવાડા રોડ ઉપર ઘટના સ્થળે પહોંચી અને તાત્કાલીક રોડ ઉપર મેટલ પાથરવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.

આ બનાવને લઇને કોંગી અગ્રણી ડો. હેમાંગ વસાવડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પુરતા બજેટ ન હોય તેમ છતાં લાગતા વળગતા કોન્ટ્રાકટરને કામ આપવામાં આવે છે. જેમની પાસે પુરતા સાધનો ન હોય આયોજન વગર કામ ચાલુ કરવું અનફીટ કોન્ટ્રાકટરને કામ આપવું પછી રોડ રસ્તા ખોદીને બજેટ વગર કામ અટકી જવું પોતાના માણસોને કમાવવા માટે મીલીભગતથી કામ ચાલે છે જેમણે કારણ નિદોર્ષ પ્રજા ભોગ બને છે. મહિલાનેસમયસર સારવાર આપવામાં મોડું થયું એટલે આ મહિલાને ડોકટર બચાવી શકયા ન હતા એમ્બ્યુલન્સ પહોંચવામાં રોડ રસ્તાને લઇને મોડું થયુ એટલે મહિલા ભોગ બની આ માટે કોન્ટ્રાકટર અને પાલિકાતંત્રને જવાબદાર ગણાવ્યું હતું.

આ બનાવને લઇને વાલ્મીકી સમાજમાં રોષ ફાટી નિકળ્યો હતો અને ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતંુ કે બીજા કોઇ ભોગ ન બને એ પહેલા કામગીરી ચાલુ કરાવવાની માંગ કરેલ હતી વિરોધપક્ષના નેતા ઓમદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વાલ્મીકી સમાજના લોકોને હેરાન કરવા માટે આ રોડ ખોદી નાખવામાં આવ્યો છે આ સમાજ દ્વારા આખા ગામની સફાઇ કરતા હોય તેવાને હેરાન કરવામાં સતાધીશો ને શું ફાયદો હશે ૨૪ કલાકની અંદર રોડ રસ્તાની કામગીરી ચાલુ કરવામાં નહી આવેતો તંત્ર સામે આંદોલન ઉપર ઉતરવાની ચિમકી ઉચ્ચારી હતી.

(11:39 am IST)