Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

માણાવદર કોંગ્રેસના કાર્યકર્તા ઉપર હુમલોઃ ભાજપના કાર્યકરની ધરપકડ

અગાઉ બન્ને કોંગ્રેસમાં જ હતા

જૂનાગઢ, તા. ૨ :. માણાવદર કોંગ્રેસના કાર્યકર્તા ઉપર ગઈસાંજે સરાજાહેર હુમલો થતા ચકચાર મચી ગઈ હતી. જો કે પોલીસે તાત્કાલીક હુમલાખોર ભાજપના કાર્યકરની ધરપકડ કરી લીધી હતી.

આ બચાવમાં બન્ને શખ્સો અગાઉ કોંગ્રેસમાં જ હતા.

આ બનાવની વિગતો એવી છે કે, માણાવદરમાં જીઈબી સર્કલ પાસે આવેલ વૃંદાવન સોસાયટી બ્લોક નં. ૨૦૩માં રહેતા સ્થાનિક કોંગ્રેસના મિડીયા સેલના પ્રમુખ પિયુષ માધવજીભાઈ પરસાણીયા (ઉ.વ. ૨૧) ગઈકાલે સાંજે ૭ વાગ્યાની આસપાસ માણાવદર ખાતેના સિનેમા ચોકમાં પાનના ગલ્લા ઉપર ઉભા હતા.

ત્યારે માણાવદર તાલુકાના વેડવા ગામે રહેતો ભાજપનો કાર્યકર ભરત રામભાઈ ડાંગર નામનો શખ્સ કારમાં ધસી આવ્યો હતો અને 'તું ચૂંટણી કેમ કામ કરતો હતો' તેમ કહીને પિયુષ પરસાણીયા ઉપર પાવડાના હાથા વડે આડેધડ હુમલો કરી ગાળો કાઢી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

હુમલા બાદ ભરત ડાંગર નાસી ગયો હતો. હુમલામા પટેલ યુવાનને ઈજા થતા સ્થાનિક હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ.

આ હુમલા અંગે પિયુષ પરસાણીયાએ પોલીસમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવેલ કે, અગાઉ બંને જણા કોંગ્રેસ પક્ષમાં હતાં, પરંતુ તાજેતરમાં ભરત ડાંગર ભાજપમાં જોડાયેલ.

આમ રાજકીય મનદુઃખ રાખીને ભરત ડાંગરે હુમલો કર્યાની ફરીયાદ પિયુષભાઇએ કરતા પોલીસે હુમલાખોર વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

બીજી તરફ પીએસઆઇ પી.કે. બોદરે બનાવની ત્વરીત તપાસ હાથ ધરી રાત્રેજ ભરત ડાંગરની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરેલ હતી.

(11:52 am IST)